સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન પ્લાન્ટ વિસ્તાર નજીક ખુલ્લી જગ્યામાં કાટમાળ-ભંગારનો ખડકલો

સામાજિક કાર્યકરે સતાધીશોની સ્વચ્છતા અંગેની કામગીરી સામે સવાલો ઉઠાવ્યાં!

MailVadodara.com - Debris-rocks-in-an-open-area-near-the-oxygen-plant-area-at-Sayaji-Hospital

- રાજ્યના આરોગ્ય મંત્રીને અહીં રૂબરૂ મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહીની માંગ કરી

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા એક તરફ ચોમાસામાં સ્વચ્છતા માટે ભાર મૂકે છે જ્યારે બીજી તરફ મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની એસ. એસ. જી. હોસ્પિટલમાં જ પારાવાર ગંદકી અને ભંગારના ઢગલાં મુદ્દે સામાજિક કાર્યકર દ્વારા હોસ્પિટલ સત્તાધીશોના કામગીરીની પોલ ખોલવામાં આવી હતી.


મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરા શહેરની એસ.એસ.જી.હોસ્પિટલ કે જ્યાં ફક્ત વડોદરા શહેર-જિલ્લામાંથી જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાંથી પણ દર્દીઓ સારવાર અર્થે આવતા હોય છે. હાલ એક તરફ ચોમાસાની ઋતુ ચાલી રહી છે અને રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા સૌને સ્વચ્છતા રાખવા માટે પોતાના નજીકના સ્થળોએ કાટમાળ, પાણી ના ભરાય જેથી મચ્છરોનો ઉપદ્રવ ન વધે તે માટે વારંવાર જાહેરાત કરે છે પરંતુ કહેવત છે કે, દિવા તળે જ અંધારું હોય તેવો ઘાટ એસ.એસ.જી.હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે. જ્યાં હોસ્પિટલના ઓક્સિજન પ્લાન્ટ વિસ્તાર નજીક જ ખુલ્લી જગ્યામાં કાટમાળ અને ભંગારના ખડકલા જોવા મળી રહ્યાં છે. અહીં વરસાદી પાણી વચ્ચે અસહ્ય ગંદકીમાં પલંગ, ખુરશીઓ, વેક્યુમ ક્લિનર, ટેબલ સહિતનો ભંગાર જોવા મળી રહ્યો છે. જ્યાં અસહ્ય દુર્ગંધ તથા વરસાદી પાણી અહીં કાટમાળમાં જોવા મળી રહ્યાં છે. જેના કારણે મચ્છરોનો ઉપદ્રવ થવાની સંભાવના વધી રહી છે. 


બીજી તરફ સરકાર દ્વારા દર્દીઓ માટે ઇ-રીક્ષાઓ આપવામાં આવી હતી અને જે રિપેર થઇ શકે તેવી પરિસ્થિતિમાં હોય છતાં તેવી કેટલીક ઇ રીક્ષાઓ પણ અહીં ભંગારમાં રઝળતી જોવા મળી રહી છે. એસ.એસ.જી.હોસ્પિટલના સત્તાધીશો જ સ્વચ્છતા તરફે દુર્લક્ષ સેવી રહ્યાં હોય તેવું જણાય છે. હોસ્પિટલના પાછળના ભાગે ડસ્ટબીન બકેટો પણ ઉપયોગ વિના ઢગલામાં જોવા મળી રહી છે. આ સમગ્ર મામલે શહેરના સામાજિક કાર્યકર અતુલ ગામેચી દ્વારા એસ.એસ.જી.હોસ્પિટલના સતાધીશોની સ્વચ્છતા અંગેની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા અને રાજ્યના આરોગ્ય મંત્રીને અહીં રૂબરૂ મુલાકાત લઇ યોગ્ય કાર્યવાહીની માંગ કરી હતી.


Share :

Leave a Comments