- પતિના મૃતદેહ પાસે પત્નીનું હૈયાફાટ રુદન, ઘરે વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા કાઢી ખાસવાડી સ્મશાન ખાતે અંતિમ સંસ્કાર કરાયા
અમરનાથ યાત્રામાં હાર્ટ-એટેકથી મૃત્યુ પામેલા વડોદરાનો યુવાન ગણેશ કદમના મૃતદેહને શ્રીનગરથી કાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો. જ્યાંથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વડોદરા લાવવામાં આવ્યો હતો. યુવાનનો મૃતદેહ ઘરે પહોંચતા જ પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. ઘરે વિધિ પૂર્ણ કર્યા બાદ અંતિમયાત્રા કાઢીને ખાસવાડી સ્મશાન ખાતે યુવાનના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.
વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં આવેલ પીતાંબર પોળમાં રહેતો 32 વર્ષીય યુવાન ગણેશ કદમ અમરનાથ યાત્રાએ ગયો હતો. અમરનાથ પહોંચીને દર્શન કરે એ પહેલાં જ તેનું પહેલગામ હોસ્પિટલમાં હાર્ટ-એટેક આવતાં મોત થયું છે, જેને પગલે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
પીતાંબર પોળમાં રહેતા અને એલ્યુમિનિયમ સેક્શનનું કામ કરતા અને ગૌ રક્ષા સમિતિના કાર્યકર ગણેશ કદમ પોતાના મિત્રો સાથે અમરનાથ યાત્રાએ ગયા હતા. જ્યાં તેમને પહેલગામમાં અચાનક ઊલટીઓ શરૂ થઈ ગઈ હતી અને સ્થાનિક દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમને બે હાર્ટ એટેક આવ્યા હતા અને ત્રીજો એટેક આવતા તેમનું મોત થયું હતું. યુવાનનું મૃતદેહને આજે શ્રીનગરથી કાર્ગો મારફતે અમદાવાદ લાવવામાં આવ્યો હતો, જ્યાંથી મૃતદેહને એમ્બ્યુલન્સમાં વડોદરા ખાતે લાવવામાં આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં સ્થાનિકો પહોંચ્યા હતા. ફળિયામાં જુવાનજોધ યુવાનનું મોત થતાં દરેક લોકોની આંખમાં આસુ હતાં. મૃતક ગણેશ કદમનો મૃતદેહ ઘરે આવતા જ પત્નીના હૈયાફાટ રુદન સાથે આખો કદમ પરિવાર શોકમગ્ન બની ગયો હતો. મળતી માહિતી મુજબ, અમરનાથની યાત્રામાં મૃત્યુ પામેલા ગણેશ કદમને પરિવારમાં ટ્વિન્સ પુત્ર અને પુત્રી છે. બંને પહેલા ધોરણમાં અભ્યાસ કરે છે.
મા શિવાની રંગ અમરનાથ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મિલિંદ વૈધે જણાવ્યું હતું કે, વડોદરાના ફતેપુરા વિસ્તારના પિતામ્બર ફળિયામાં રહેતા ગણેશ કદમ જમ્મુ ખાતે ભંડારામાં પણ આવ્યા હતા. ત્યાંથી પહેલગામમાં રોકાયા હતા, જ્યાં તેમની તબિયત અચાનક લથડી હતી. જેથી તેમને સારવાર માટે પહેલગામ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાં તેમનું દુખદ અવસાન થયું હતું. તેમનું હૃદય અચાનક જ આઘાત સાથે બંધ થતાં થઈ જતા તેમને હાર્ટ-એટેક આવ્યો હતો. આજે તેમનો મૃતદેહ કાર્ગો મારફતે અમદાવાદ અને ત્યાંથી તેમના વડોદરા સ્થિત તેમના ઘરે લાવવામાં આવ્યો છે. અમે આ ઘટનાથી ખૂબ જ દુખી છીએ.
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં અમરનાથમાં વરસાદ અને બરફના વિઘ્ન વચ્ચે ઓક્સિજન લેવલ ઘટી ગયા બાદ ઘોડા પરથી પડી જતાં વડોદરાના વેમાલી વિસ્તારમાં રહેતા 58 વર્ષીય રાજેન્દ્ર ભાટિયાનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને કાર્ગો પ્લેનમાં શ્રીનગરથી વાયા મુંબઇથી અમદાવાદ એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો. રાજેન્દ્રભાઈની અંતિમયાત્રામાં સ્વયંભૂ આખું ગામ જોડાયું હતું. અકાળે અવસાન થતાં આખું ગામ શોકમગ્ન બની ગયું હતું.