- વલસાડથી આવતી એસટી બસ વડોદરા ડેપોમાં પ્રવેશતાની સાથે જ પોલીસે કંડક્ટરને ઝડપી પાડ્યો
વલસાડથી ડાકોર તરફ જતી એસટી બસના કંડકટર દ્વારા વિદેશી શરાબનો જથ્થો લઈને પ્રવાસ કરવામાં આવતો હોવાની માહિતી વડોદરા એસટી ડેપોના સ્ટાફને મળતા પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના આધારે પોલીસે વિદેશી શરાબની ખેપ મારતા એસટી વિભાગના કંડકટરને ઝડપી પાડ્યો હતો.
મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકાના વગાસ ગામ સ્થિત વાળંદ ફળિયામાં રહેતો સંદીપ રમેશભાઈ વાળંદ હાલ ડાકોર એસ.ટી. ડેપોમાં કડક્ટર તરીકે ફરજ બજાવે છે. જે રોજ ડાકોરથી વલસાડ વચ્ચે ડાકોરની એસટી બસમાં કંડકટર તરીકે નોકરી કરે છે. જે દરમિયાન સરકારી નોકરી પર શરાબની બોટલો લાવીને ખેપ મારતો હોવાની માહિતી વડોદરા એસટી વિભાગને મળતા વડોદરા એસટી વિભાગ દ્વારા સયાજીગંજ પોલીસને જાણ કરવામાં આવી હતી. વલસાડ તરફથી આવતી એસટી બસ વડોદરા એસટી ડેપોમાં પ્રવેશતાની સાથે જ પોલીસે બસ કંડક્ટરને ઝડપી પાડ્યો હતો, જેની પાસેથી વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની આઠ બોટલો મળી આવી હતી.
પોલીસે 9,600 રૂપિયાના મુદ્દા માલ સાથે એસટી ડેપોના કંડકટર સંદીપ રમેશભાઈ વાળંદની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.