- ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો, ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલ ખસેડાયા
વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન ક્રેન તૂટી પડતાં 7 શ્રમજીવી દબાયા હતા. દબાયેલા શ્રમજીવીઓ પૈકી એકનું મોત નીપજ્યું છે. જ્યારે અન્ય 6ને ઈજા પહોંચી હતી. ઇજાગ્રસ્તોને કરજણ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવને પગલે ચકચાર મચી ગઈ હતી. ક્રેન બુલેટ ટ્રેનની સાઈટ પર ગર્ડર મૂકી પરત ફરી રહી હતી ત્યારે ઘટના બની હતી.
મળેલી માહિતી પ્રમાણે, વડોદરા જિલ્લામાંથી પસાર થનારી બુલેટ ટ્રેનની કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે, જેમાં વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના કંબોલા નજીક પણ બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે. આજે સવારે શ્રમજીવીઓ ક્રેન દ્વારા સામાન ચઢાવવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન ક્રેન ધડામ કરતી તૂટતાં કામ કરી રહેલા સાત શ્રમજીવી દબાઇ ગયા હતા. આ ઘટના બનતાં અન્ય ઇજનેરો અને શ્રમજીવીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.
આ ઘટનાની જાણ થતાં કરજણ SDM સહિત અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ સાથે ફાયરબ્રિગેડની ટીમ પહોંચી ગઈ હતી અને કામગીરી શરૂ કરી હતી. આ બનાવને પગલે કંબોલા ગામ સહિત આસપાસના ગામના લોકો સ્થળ પર દોડી ગયા હતા, સાથે કરજણ પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી ગયો હતો અને ક્રેન કેવી રીતે તૂટી એ અંગેની પ્રાથમિક માહિતી મેળવી કાર્યવાહી હાથ ધરી હતી.
હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા મુંબઇ-અમદાવાદ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં ચાલી રહ્યું છે. આ કામગીરી હાલ કરજણ તાલુકાના માંગરોલ-સાપા પાટિયા પાસે ચાલી રહી છે, જ્યાં આજે વિશાળ ક્રેન મારફત ગર્ડર ગોઠવવાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન આ દુર્ઘટના સર્જાઇ હોવાનું જાણવા મળ્યું હતું.
1100 ટન વજન અને 40 મીટર લંબાઈનો આરસીસીનો બ્લોક લઈ ક્રેન બુલેટ ટ્રેનની લાઈન પર મૂકવા જતી હતી. બાદમાં આ બ્લોક મૂક્યા પછી ક્રેન પરત ફરતી હતી ત્યારે દુર્ઘટના બની હતી. આ ઘટનાને લઈ શ્રમિકોએ સુપરવાઈઝર પર રોષ ઠાલવ્યો હતો. ધારાસભ્ય, મામલતદાર સહિતના અધિકારીઓ અને નેતાઓ ઘટનાસ્થળે દોડી આવ્યા છે.
નેશનલ હાઈસ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના જણાવ્યા મુજબ, આજે વડોદરા નજીક કરજણમાં મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ કોરિડોર બાંધકામ સાઈટ પર ગર્ડર લોન્ચરની કામગીરી 14 કિમી સફળતાપૂર્વક પૂર્ણ થઇ છે. આજે વડોદરા નજીક તેના નવા લોન્ચિંગ સ્થાને ક્રેન પહોંચી હતી. ક્રેનને ગર્ડર ટ્રાન્સપોર્ટરની ટોચ પર લોન્ચિંગ સ્થાન પર ખસેડવામાં આવી હતી. ગર્ડર ટ્રાન્સપોર્ટરમાંથી અનલોડ કરતી વખતે ક્રેનનો વ્હીલ બેઝ જામ થઈ ગયો હતો, આથી લોન્ચિંગ કરતી વખતે ક્રેનના એક ભાગને નુકસાન પહોંચ્યું હતું. વ્હીલ બેઝ ચેક કરવાનો પ્રયાસ કરી રહેલો એક કામદાર ફસાઈ ગયો હતો અને મૃત્યુ પામ્યો હતો. નાની ઈજાઓ સાથે અન્ય છ કામદારોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.