- પૂર્વ વિપક્ષ નેતાએ કમિશનરને કરી રજુઆત કરી તપાસની માગણી કરી
શહેરના છાણી ટીપી 13 વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની જગ્યામાં વર્ષ 2007માં સ્વામી પ્રમુખ સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરાયેલ 1300થી વધુ લીમડા ધરાવતા લીમડા વનમાં પાલિકાની પરમિશન વગર ખાનગી બિલ્ડરે પોતાના મજૂરો માટે પતરાંના શેડવાળા ઝુંપડા ઉભા કરતા વિવાદ સર્જાયો છે, જે અંગે પાલિકાના પૂર્વ વિપક્ષ નેતાએ કમિશનરને રજુઆત કરી તપાસની માંગણી કરી છે.
વડોદરા શહેરના છાણી ટીપી 13 વોર્ડ -1માં નર્મદા કેનાલ દશામાના મંદિર નજીક રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી રૂપિયા બે કરોડના ખર્ચે નગર નંદનવન બનાવવામાં આવ્યું હતું. જ્યાં 1300 વધુ લીમડા ઉગાડવામાં આવ્યા હતા. જેને લઈ આજે તે વિસ્તારને છાણી ટીપી 13ના લોકો લીમડાવન તરીકે ઓળખે છે અને ત્યાં જે તે સમયે પાલિકા દ્વારા બાળકો માટે રમત-ગમતના સાધનો તેમજ વડીલો અને યુવાનો માટે કસરતના સાધનો પણ મુકવામાં આવ્યા હતા. અને જેનું વર્ષ 2007માં પ્રમુખસ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું. જે લીમડા વનનો ઉપયોગ આજે વિસ્તારના નાના ભૂલકાંઓથી લઈ વડીલો કરી રહ્યા છે, ત્યારે એકાએક લીમડાવન તરીકે ઓળખાતા બગીચામાં રાતોરાત બિલ્ડરે પોતાના મજૂરો માટે પતરાના શેડ મારી ઝૂંપડા ઊભા કરી દેતા વિવાદ સર્જાયો છે. વડોદરા પાલિકા સંચાલિત લીમડા વનમાં બિલ્ડર દ્વારા ખાનગી સિક્યુરિટી મુકાય છે, જેને લઇ હવે વિસ્તારના લોકો લીમડા વનમાં જઈ શકતા નથી અને લીમડા વનમાં રહેલા રમત-ગમત સાધનોનો ઉપયોગ મજૂરોના બાળકો કરી રહ્યા છે.
આ વિસ્તારના નગરસેવક પુષ્પાબેન વાઘેલાના જણાવ્યા પ્રમાણે લીમડા વનમાં આશરે 400 ઝૂંપડા બનાવવાનું બિલ્ડર દ્વારા આયોજન છે ત્યારે ગુજરાતનો એકમાત્ર લીમડા વન બગીચો જ એવો છે કે જ્યાં રાજ્ય સરકારે બે કરોડનો ખર્ચો કરી બગીચો બનાવ્યો છે તે બગીચાને ઉજાળી ઝૂંપડા ઊભા કરાઇ રહ્યા છે.
બે કરોડના ખર્ચ તૈયાર કરાયેલા 1300થી વધુ લીમડા ધરાવતા લીમડા વનમાં ખાનગી બિલ્ડર દ્વારા નર્મદા નિગમ પાસેથી નવ મહિનાના ભાડે પેટે જગ્યા મેળવી ઝૂંપડા ઊભા કરાયા છે ત્યારે પાલિકાના પૂર્વ વિપક્ષ નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ પાલિકાની હદમાં કોઈપણ જાતનો બાંધકામ કરવું હોય કે ફેરબદલ કરવો હોય ત્યારે કોર્પોરેશન કમિશનર અને ચૂંટાયેલા નગરસેવકોની પરમિશન લેવી જરૂરી છે ત્યારે બિલ્ડર દ્વારા ફક્ત નર્મદા નિગમની પરિમિશન લઈ ઉભા કરાયેલ ઝુંપડા ગેરબંધારણીય છે માટે પાલિકાના કમિશનરને રજૂઆત કરી કાર્યવાહીની માંગણી કરી હોવાનું જણાવી છે.