નવાયાર્ડ વિસ્તારમાં 3 મહિનાથી દૂષિત પાણીની સમસ્યા, નાગરિકો સાથે સ્થાનિક મહિલા કાઉન્સિલરે ધરણાં યોજ્યાં

ફોલ્ટ શોધવા પાલિકા દ્વારા ઠેક ઠેકાણે ખાડા ખોદી નાખ્યા છતાં ફોલ્ટ નથી મળ્યો

MailVadodara.com - Contaminated-water-problem-for-3-months-in-Navayard-area-local-women-councilors-staged-sit-ins-with-citizens

- વોર્ડ કચેરીએ અનેકવાર રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા લોકો ત્રાહિમામ


શહેરના ઉત્તર વિભાગમાં આવેલ નવા યાર્ડ નાળા પાસે આજુબાજુની તમામ સોસાયટીઓ અને વસાહતોમાં છેલ્લા ત્રણ મહિનાથી ડામર જેવું કાળું અને ડહોળુ પાણી આવતા સ્થાનિક રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે. ઠેક ઠેકાણે વોર્ડ ઓફિસ સહિત ખંડેરાવ માર્કેટ પાલિકા કચેરીએ રજૂઆતો કરાઈ હતી. આ અંગેની સ્થાનિક લોકોએ જાણ કરતાં વોર્ડ 1ના મહિલા કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા પાલિકા તંત્રના વિરોધમાં આંદોલન શરૂ કરીને નવાયાર્ડ ગરનાળા પાસે પ્રતીક ઉપવાસ શરૂ કરતા સ્થાનિક લોકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા.


ઓગસ્ટ મહિનામાં શહેરમાં આવેલા પૂર વખતથી નવા યાર્ડ રેલ્વે ગરનાળુ ગટરના ગંદા પાણીથી ઉભરાયું છે અને હાલમાં પણ આ નાળામાં ડામર જેવું કાળું પાણી ભરાયેલું છે. આ વિસ્તારમાં રહેતા સ્થાનિક રહીશોને પણ પાલિકા દ્વારા નળથી મળતું પાણી પણ છેલ્લા ત્રણ મહિનાથી ડામર જેવું કાળો અને દુર્ગંધવાળું મળી રહ્યું છે. નવા યાર્ડ ગરનાળા આસપાસની રમણીકલાલની ચાલી, રસુલજીની ચાલી, જેવિયરનગર સહિતની અનેક ચાલી તથા આજુબાજુની અનેક સોસાયટીઓમાં છેલ્લા ત્રણેક મહિનાથી આ સમસ્યા સર્જાઇ છે. સ્થાનિક રહીશોએ વોર્ડ કચેરીએ પણ આ બાબતે અનેકવાર જાણ કરી છે. છતાં પણ આ પ્રશ્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. વોર્ડ ઓફિસે કરાયેલી રજૂઆતમાં આ વિસ્તારના ડામર જેવા કાળા અને દુર્ગંધવાળા ગંદા પાણી અંગે ફોલ્ટ શોધવા પાલિકા દ્વારા ઠેક ઠેકાણે ખાડા ખોદી નાખ્યા હોવા છતાં હજુ સુધી ફોલ્ટ મળ્યો નથી. અને સમસ્યાનું કાયમી નિરાકરણ લાવતા નથી. લોકો ગંદા પાણીથી ત્રસ્ત છે. વિસ્તારમાં પાણીજન્ય રોગચાળાના ભયથી સ્થાનિક લોકો ફફડી રહ્યા છે. આમ છતાં પણ હજી સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી. આ સમસ્યાના નિરાકરણ માટે સ્થાનિક મહિલા કોર્પોરેટરને જાણ કરવામાં આવી હતી. જેથી તેમણે પાલિકા તંત્રમાં રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે કામગીરી શરૂ કરાવવા જણાવ્યું હતું. અંતે કામગીરી શરૂ નહીં થતાં મહિલા કોર્પોરેટરે પાલિકા તંત્ર વિરુદ્ધ ઉપવાસ આંદોલનની જાહેરાત કરી હતી અને  નવા યાર્ડ ગરનાળા બહાર સવારથી પ્રતીક ઉપવાસ પર બેઠા છે અને તેમની સાથે ઉપવાસમાં સ્થાનિક રહી છો પણ જોડાયા હતા.

Share :

Leave a Comments