ગણેશજીની પ્રતિમાના વિસર્જન માટે માંજલપુરમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી શરૂ

કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું

MailVadodara.com - Construction-of-one-more-artificial-lake-started-in-Manjalpur-for-immersion-of-Ganesha-statue

- માંજલપુરમાં સ્મશાન સામેના પ્લોટમાં હાલ 15×15 મીટર વિસ્તાર ધરાવતું અને સાત ફૂટ ઊંડું તળાવ બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે


ગણેશ મહોત્સવ આડે હવે ચાર દિવસ બાકી રહ્યા છે. ગણેશ ઉત્સવની તડામાર તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે અને આયોજકો દ્વારા વાજતે ગાજતે શ્રીજીની મૂર્તિઓ લાવવામાં આવી રહી છે. બીજી બાજુ કોર્પોરેશન દ્વારા શ્રીજી વિસર્જન માટે આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જેમાં શહેરના માંજલપુર વિસ્તારમાં વધુ એક કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. માંજલપુરમાં સ્મશાન સામેના પ્લોટમાં હાલ 15×15 મીટર વિસ્તાર ધરાવતું અને સાત ફૂટ ઊંડું તળાવ બનાવવા ખોદકામ ચાલી રહ્યું છે.


શહેરના દક્ષિણ વિસ્તારમાં કોઈ કૃત્રિમ તળાવ નહીં હોવાથી ત્યાંના ગણેશ આયોજકોને વિસર્જન વિધિ માટે દૂર સુધી આવવું પડતું હતું અને આ વિસ્તારમાં એક કૃત્રિમ તળાવ બનાવવાની માગણી થઈ હતી. જેનો હજી થોડો સમય પહેલા સ્વીકાર કરવામાં આવ્યો હતો. કોર્પોરેશનના નવા હોદ્દેદારોની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી કૃત્રિમ તળાવનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. બે દિવસ અગાઉ નવલખી કૃત્રિમ તળાવમાં પાણી ભરવાની શરૂઆત પણ કરી દેવામાં આવી છે. નવલખી મેદાન પર સૌથી મોટું કૃત્રિમ તળાવ છે. જેનો વિસ્તાર આશરે 7000 સ્ક્વેર મીટરનો છે. મોટી મૂર્તિઓ અહીં પધરાવવામાં આવે છે. આ વખતે વધુ ઊંચી મૂર્તિઓનું સ્થાપન થાય તેવી શક્યતા છે. શહેરના ચારેય ઝોનમાં એટલે કે સોમા તળાવ પાસે, હરણી સમા લિંક રોડ અને ગોરવા દશામા તળાવ ખાતે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યા છે. જ્યારે હરણી સમા લિંક રોડ પરનું તળાવ મોટું બનાવવાનું કામ હાથ ધરાયું છે. આ વખતે મૂર્તિઓની વિસર્જન વિધિ વખતે તળાવમાં પૂજાપા સહિતની સામગ્રી લોકો પધરાવે નહીં તે માટે તમામ તળાવ ખાતે સુવર્ણ કળશ મૂકીને પૂજાપો એકત્રિત કરી તેમાંથી સેન્દ્રીય ખાતર બનાવવામાં આવશે.

Share :

Leave a Comments