- ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પૂર્વે ટ્રાફિક ડાયવર્ઝનને ધ્યાનમાં રાખી તેમજ સલામતીની વ્યવસ્થાના ભાગરૂપે રોડ પર લોખંડની પ્લેટો મૂકી બેરીકેડ ઉભા કરવાની કામગીરી શરૂ
શહેરમાં વધતા જતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને ટ્રાફિક જંકશન ઉપર જે નવા ઓવરબ્રિજ બનાવવાનું નક્કી થયું છે, તેમાં સમા-સાવલી રોડ ઉપર ઊર્મિ સ્કૂલથી થોડે દૂર સમા તળાવ (અબાકસ સર્કલ) ઉપર નવો ફ્લાય ઓવર બ્રિજ બાંધવાનું કામ 15 દિવસમાં શરૂ થવાનું છે. બ્રિજનું કામ શરૂ કરતાં પૂર્વે ટ્રાફિક ડાયવર્ઝનને ધ્યાનમાં રાખી સલામતીની વ્યવસ્થા તથા રોડ પર લોખંડની પ્લેટો મૂકી બેરીકેડ ઉભા કરવાની કામગીરી શરૂ થઈ છે. આ સ્થળે દરખાસ્તમાં મંજુર થયા મુજબ હાલની સ્થિતિએ 56.56 કરોડનો બ્રિજ બનશે. જો કોઈ ડિઝાઇનમાં સુધારા વધારા થાય તો ખર્ચમાં પણ ફેરફાર થઈ શકે છે.
શહેરી વિકાસ તથા શહેરીગૃહ નિર્માણ વિભાગના પત્ર સંદર્ભે બ્રીજ બનાવવા રજુ કરેલ દરખાસ્તને ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા અગાઉ સૈધ્ધાંતિક મંજુરી આપવામાં આવેલ હતી. જે અન્વયે સી.આર.આર.આઈની ભલામણ અનુસાર નિયુક્ત સલાહકાર દ્વારા સ્થળ સ્થિતિનો સર્વે કર્યા બાદ ડિઝાઇન તૈયાર કરી હતી. હાલમાં વિશ્વામિત્રી બ્રીજ (ઉર્મી બ્રીજ) તરફના એપ્રોચની લંબાઈ 250 મીટર છે, જ્યારે સમા કેનાલ (નેશનલ હાઇવે) તરફના એપ્રોચની લંબાઈ 270 મીટર છે. સમા તળાવ જંકશન (અબાક્સ સર્કલ) ઉપર 40 મીટર સ્પાન, 7.50 મીટરના બે કેરેજ-વે વગેરે બનાવવામાં આવશે. બ્રીજની નીચેના ભાગમાં 16.80 મીટર પહોળાઈમાં પાર્કીંગ (પેવર બ્લોક સહ), બ્રીજની બંન્ને તરફ 5.60 મીટરના સર્વીસ રોડ અને 1 મીટર પહોળાઇમાં ફુટપાથ (પેવર બ્લોક સહ) બનાવાશે. બ્રિજની કામગીરી એન્જિનિયરિંગ પ્રોક્યોરમેન્ટ એન્ડ કન્સ્ટ્રક્શન આધારિત કરવામાં આવનાર છે. બ્રિજની કામગીરી દરમિયાન સ્ટ્રીટ લાઈટ, વરસાદી ગટર, ગેસ લાઇન તેમજ બીજી સર્વિસીસ લાઈન કે જે નડતરરૂપ રહેશે તે ખસેડવી પડશે. સરકાર દ્વારા ફાળવણી કરવામાં આવેલ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજનાયુ.ડી.પી.-78-2019-20ની ફલાય ઓવર બ્રીજની ગ્રાંટ પેટે નાણાંકીય સમર્થન મેળવેલ છે. ખર્ચની વધારાની જોગવાઇ રાજ્ય સરકાર તરફથી નહીં કરવામાં આવતા હાલમાં ફાળવેલ રકમ કરતાં વધારાની રકમનો ખર્ચ વડોદરા કોર્પોરેશન કરશે. આ બ્રિજ 30 મીટર પહોળા રોડ પર બનશે.