મંજૂસરની કંપની પાસેથી મહારાષ્ટ્રના ઠગે દવા મગાવી 54 લાખની છેતરપિંડી કરતા ફરિયાદ

વાપીના સરનામા પર તપાસ કરતાં કંપનીને બદલે ઇલેક્ટ્રિકની દુકાન નીકળી

MailVadodara.com - Complaint-filed-by-thugs-from-Maharashtra-defrauding-Manjusar-company-of-54-lakhs-by-getting-medicine

મહારાષ્ટ્રના થાણે ખાતેના ભેજાબાજે મંજૂસરની કંપની પાસેથી ફાર્માસ્યૂટિકલ કેમિકલ પ્રોડક્ટની ખરીદી કરી રૂા.54 લાખનો દવાનો માલ વાપીમાં મગાવી છેતરપિંડી કરતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે. 

મંજૂસર જીઆઇડીસીમાં જીજીસી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યૂટિકલ્સ કંપનીમાં બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યૂટિવ હર્ષ પાંડેએ મંજૂસર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું કે, કંપની ફાર્માસ્યૂટિકલ કેમિકલ પ્રોડક્ટનું ઉત્પાદન કરે છે. જાન્યુઆરીમાં ઇ-મેલ આવ્યો હતો, જેમાં રાજીવ કપૂર નામ સાથે મોબાઈલ નંબર લખ્યો હતો અને ફાર્માસ્યૂટિકલ કેમિકલ પ્રોડક્ટ પ્રેગાબિલીન આઈપી 300 કિલો ખરીદવા માગે છે, તેમ કહ્યું હતું. જેથી તેમણે 100 ટકા એડવાન્સ પેમેન્ટનું જણાવ્યું હતું. ત્યારબાદ રાજીવ કપૂરે જણાવ્યું કે, અમે લાંબો સમય માલ ખરીદીશું, તેની સામે 60 દિવસ બાદના ચેક અમારી કંપની તમને આપશે. રાજીવ કપૂરે જણાવ્યું કે, મારી ગ્લોબલ એન્ટરપ્રાઇઝ નામની ટ્રેડિંગ કંપની છે, જેની રજિસ્ટર ઓફિસ વાપીમાં નૂતન નગર ખાતે આર્યા હાઈટ્સમાં આવેલી છે.

આ વાત થયા બાદ રાજીવ કપૂરે કંપનીના લેટરહેડ પર પ્રેગાબિલીન આઇપી પ્રોડક્ટ 600 કિલો અને અલ્બેન્ડાઝોલ આઈપી પ્રોડક્ટ 1530 કિલોનો ઓર્ડર 4 વખત આપ્યો હતો. જેથી 54.06 લાખનો માલ કલ્પતરુ ટ્રાન્સપોર્ટ દ્વારા મોકલ્યો હતો. જેની રાજીવ કપૂરે ડિલિવરી લીધી હતી. મુદત પૂરી થતાં બેંકમાં ચેક નાખ્યો ત્યારે બેલેન્સ નહિ હોવાથી પરત આવ્યો હતો. બાદમાં રાજીવ કપૂર ફોન ઉપાડતો ન હતો અને પછી ફોન સ્વિચ ઓફ થઈ ગયો હતો. 

પોલીસે ભેજાબાજ રાજકુમાર ગેલારામ નારંગ ઉર્ફે રાજીવ કપૂર (થાણે, મહારાષ્ટ્ર)સામે ગુનો નોંધ્યો છે. મંજૂસર પીઆઈ એમ. આર. ચૌધરીએ જણાવ્યું કે, કંપનીએ તપાસ કરતાં ખબર પડી કે, ટ્રેડિંગ કંપનીના બતાવેલા સ્થળે વાપીમાં ઇલેક્ટ્રિકની દુકાન છે.

Share :

Leave a Comments