વડોદરામાં તબીબ પત્નીને એસિડથી સળગાવી દેવાની ધમકી આપતા ફિઝીયોથેરાપીસ્ટ પતિ સામે ફરિયાદ

પતિએ ઘરે આવીને બંને દીકરાઓને માર મારતા સાસુએ પુત્રવધૂને જાણ કરી હતી

MailVadodara.com - Complaint-against-physiotherapist-husband-who-threatened-to-burn-doctor-wife-with-acid-in-Vadodara

- તબીબ મહિલાના પતિનું અન્ય યુવતી સાથે અલગથી બીજા મકાનમાં રહે છે

- તબીબ મહિલાને પતિએ ધમકી આપી હતી કે, બંગલામાં રહેવાનો તારો કોઇ અધિકાર નથી, તું તારી બંને દીકરીઓને લઇને જતી રહે

શહેરના ડભોઇ રોડ ખાતે આવેલ સોમા તળાવ પાસે રહેતા અને બરાનપુરા ખાતે મલ્ટીસ્પેશિયલ હેલ્થકેર હોસ્પિટલ ચલાવતા મહિલા તબીબ અને તેઓની બે દીકરીઓને ફિઝીયોથેરાપીસ્ટ પતિએ એસિડ છાંટી સળગાવી દેવાની ધમકી આપી હતી. જેને પગલે ગભરાયેલા તબીબ મહિલાએ પતિ સામે પાણીગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

શહેરના ડભોઇ રોડ ઉપર સાસુ સાથે રહેતા મહિલા તબીબે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, વર્ષ 2002માં મારા લગ્ન બરાનપુરા ખાતે રહેતા અને ફિઝીયોથેરાપીસ્ટ થયેલા હિતેશ મહેન્દ્રભાઈ જયશ્વાલ સાથે થયા હતા. અમોને 20 વર્ષના લગ્ન જીવન દરમિયાન બે દીકરીઓ છે. તબીબ મહિલાના પતિનું અન્ય યુવતી સાથે અફેર હોવાથી છેલ્લા પાંચ મહિનાથી સુભાનપુરા વિસ્તારમાં આવેલા અમારા બીજા મકાનમાં અલગથી રહે છે.

તેમણે ફરિયાદમાં જણાવ્યા મુજબ, ગત સોમવારે બપોરે 2.30 વાગ્યાની આસપાસ તબીબ મહિલા તેમની હોસ્પિટલમાં હતા તે સમયે તેમના સાસુએ ફોન કરીને જણાવ્યું હતું કે, આપના મકાનના પાણીના નળ જામ થઈ ગયા હોવાથી પ્લમ્બરના કામ માટે હિતેશને ઘરે બોલાવ્યો હતો અને હિતેશ ઘરે આવીને દીકરીઓને માર મારી રહ્યો છે. આ વાત સાંભળતાં જ ઘરે પહોંચેલા તબીબ મહિલાને દીકરીઓએ કહ્યું કે, અમને પપ્પાએ માર માર્યો છે. 

દીકરીઓની ફરિયાદ સાંભળી તબીબ મહિલાએ પતિને ઠપકો આપતા તેમને મને પણ લાફો મારી દીધો હતો અને અપશબ્દો બોલી મને તથા મારી બંને દીકરીઓને મારી નાખવાની ધમકી આપી હતી. તેમજ એવી પણ ધમકી આપી હતી કે, તું હવે તારી હોસ્પિટલ આવીશ તો તને એસિડ છાંટીને સળગાવી દઇશ અને જણાવ્યું હતું કે, ડભોઇ રોડના બંગલામાં રહેવાનો તારો કોઈ અધિકાર નથી તું તારી બંને દીકરીઓને લઈને જતી રહે.

ફિઝીયોથેરાપીસ્ટ હિતેશ જયશ્વાલે એસિડ છાંટી સળગાવી દેવાની આપેલી ધમકીથી ગભરાઇ ગયેલા તબીબ મહિલાએ પાણીગેટ પોલીસ મથકમાં પતિ સામે ફરિયાદ નોંધાવી હતી. પાણીગેટ પોલીસે  ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

Share :

Leave a Comments