પાદરાના કુરાલની સગીરા સાથે લગ્ન કરી સાંસારીક જીવન શરૂ કરનાર યુવાન સહિત 5 સામે ફરિયાદ

લગ્નના દિવસે કિશોરીની ઉંમર 17 વર્ષ 2 માસની અને યુવક 25 વર્ષની ઉંમરનો હતો

MailVadodara.com - Complaint-against-5-including-a-young-man-who-married-Padrana-Kurals-minor-and-started-worldly-life

- બાળલગ્ન કરાવનાર સગીરાના માતા-પિતા સહિત 5 લોકો સામે સમાજ સુરક્ષા અધિકારીએ ફરિયાદ નોંધાવતા પાદરા પોલીસે કાર્યવાહી હાથ ધરી

પાદરા તાલુકાના કુરાલ ગામની સગીરા સાથે સાત માસ પહેલાં લગ્ન કરનાર આંકલાવ તાલુકાના નારપુરા ગામના યુવાન અને તેના માતા-પિતા સામે લગ્ન પ્રતિબંધક ધારાહેઠળ પાદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. પાદરા પોલીસે સમાજ સુરક્ષા અધિકારીની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવી વિગત એવી છે કે, વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના કુરાલ ગામની સગીરાનું લગ્ન આંકલાવ તાલુકાના નારપુરા ગામના 25 વર્ષીય યુવક સંદિપ સાથે થયું હતું. આ અંગેની જાણ જિલ્લા સમાજ સુરક્ષા વિભાગના ઇન્ચાર્જ અધિકારી મયંક ત્રિવેદીને થતાં તપાસ શરૂ કરી હતી. આ તપાસ દરમિયાન સગીરા અને સંદિપનું લગ્ન પાદરા તાલુકાના ઉમરાયા ખાતે આવેલ મેલડી માતાના મંદિરે થયું હતું અને તે સમયે સગીરાની ઉંમર 17 વર્ષ 2 માસની હતી. જે અંગેની માહિતી સગીરાના માતા-પિતાને પણ હતી છતાં તેઓએ પોતાની સગીર દીકરીના લગ્ન કરાવ્યા હતા.


શહેરના નર્મદા ભવન ખાતે આવેલ બાળલગ્ન પ્રતિબંધક અધિકારી, સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી ખાતે ફરજ બજાવતા મયંક પંકજભાઇ ત્રિવેદીએ પાદરા પોલીસ મથકે નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, પાદરા તાલુકાના કુરાલ ગામે રહેતા મહેન્દ્રભાઈ મનુભાઈ પરમાર અને તેમના પત્ની વિદ્યાબેન મહેન્દ્રભાઈ પરમારની સગીર વચની દીકરીના ગત તા.20/10/22 ના રોજ આણંદ જિલ્લાના નારપુરા ખાતે રહેતા 25 વર્ષીય સંદીપભાઈ નટુભાઈ પરમાર સાથે ઉમરાયા ખાતે મેલડી માતાના મંદિરે લગ્ન કરાવવામાં આવ્યા હતા અને લગ્નના દિવસે સગીર વયની કિશોરીની ઉંમર 17 વર્ષ 2 માસની હતી. 

સગીર કિશોરી સાથે લગ્ન કરનાર 25 વર્ષીય સંદીપ પરમાર અને તેના માતા-પિતા તથા સગીરાના માતા-પિતા સહિત લગ્ન પ્રસંગમાં આવેલ તમામ વ્યક્તિઓ જાણતા હતા કે, બાળલગ્ન કરાવવા એ ગુનો બને છે. તેમ છતાં સગીરવયની કન્યાના બાળલગ્ન કરાવી ગુન્હો કર્યો હોવાની જાણકારી અમને તા.21/10/2022ના રોજ મળતા જેની તપાસ કરી હતી અને નિવેદનો લીધા હતા. આ દરમિયાન બાળલગ્ન કરાવવામાં આવ્યું હોવાનું પુરવાર થતા ફરિયાદ આપી છે.

બાળલગ્ન પ્રતિબંધક અધિકારી સહ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા પાદરા પોલીસને સગીરાના માતા-પિતા અને દાદાનું નિવેદન તથા સગીરાનું શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ, આધાર કાર્ડની નકલ તથા સગીરાના પતિનું શાળા છોડ્યાનું પ્રમાણપત્રની નકલ-આધાર કાર્ડની નકલ તથા લગ્નના ફોટોગ્રાફ રજૂ કરતા પોલીસે સગીરા સાથે લગ્ન કરનાર સંદીપ પરમાર અને તેના માતા-પિતા તેમજ સગીરાના માતાપિતા વિરૂધ્ધમાં બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006ની કલમ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Share :

Leave a Comments