કારેલીબાગમાં શહેર ભાજપનું નવું કાર્યાલય કમલમ બનશે, સી.આર. પાટીલના હસ્તે ખાતમૂહુર્ત કરાયું

ભાજપાનું કાર્યાલય દરેક જિલ્લામાં ફરજિયાત હોવું જોઈએ : સી.આર. પાટીલ

MailVadodara.com - City-BJP-new-office-in-Karelibagh-will-be-Kamalam-The-deed-was-done-by-the-hand-of-c-r-Patil

- સયાજીગંજમાંથી ભાજપનું કાર્યાલય ખસેડીને કારેલીબાગ સ્થિત બહુચરાજી મંદિર ત્રણ રસ્તા પાસે 2500 ચોરસ મીટરની જગ્યામાં નવું કાર્યાલય બનશે

ભાજપ સરકાર દ્વારા દરેક જીલ્લામાં કાર્યાલય બનાવવાની યોજના હેઠળ આજે શહેરના કારેલીબાગ જલારામ મંદિર રોડ ખાતે ભાજપાના નવીન કાર્યાલયનું ખાતમુર્ત ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્વારા કરવામાં આવ્યું હતું. જેના માટે 20 માર્ચે વુડાની બોર્ડ બેઠકમાં નિર્ણય લેવાયો હતો. જેમાં મેયર, સાંસદ, ધારાસભ્ય અને કાર્યકરો સહિત મોટી સંખ્યામાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરા ભાજપનું કાર્યાલય સયાજીગંજમાંથી ખસેડીને કારેલીબાગ બહુચરાજી મંદિર ત્રણ રસ્તા નજીક 2500 ચોરસ મીટરની જગ્યામાં બનવા જઈ રહ્યું છે. જેનું ખાતમૂહૂર્ત આજે ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું છે. મહત્વનું છે કે, વડોદરામાં રાજકીય નેતાઓના પ્રવાસો વધી રહ્યા છે, ત્યારે આ કાર્યાલય ખાતેથી કાર્યકર્તાઓને માર્ગદર્શન મળી રહે તે માટે આ નવીન કાર્યાલયનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે.


ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમાણે પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાના સમયથી દરેક જિલ્લામાં કાર્યાલય બનાવવાની યોજના ગુજરાતમાં પણ સફળતા પૂર્વક આગળ વધી રહી છે. તેમજ દરેક જિલ્લામાં કાર્યાલય ફરજિયાત હોવું જોઈએ. થોડું શહેરથી દૂર હોય પણ મોટું હોય તો ધીમે ધીમે શહેર વિકસીત થાય અને આ સમયમાં થોડી જમીન પણ સસ્તી પડે જેથી મોટી જમીન ખરીદી શકાય તેવા હેતું સાથે દરેક કાર્યાલયનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓને સગવડતા રહે તે માટે આ કાર્યલાયનું નિર્માણ કરવાનું શરૂ કરવામાં આવ્યું છે. વર્ષ 2024 સુધીમાં કાર્યાલય બનીને તૈયાર થઇ જશે.

બુથ સશક્તિકરણ અંગે જણાવતા ભાજપ અધ્યક્ષ કહ્યું હતું કે, પાર્ટીના સંગઠનને મજબૂત કરવા ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દરેક મતદાતા સુધી સંપર્ક માટે પહોંચવાનો અમારો પ્રયત્ન છે. તેના માટે સોશિયલ મીડિયા અને આઈટીના જે કાર્યકર્તાઓ છે. તેમણે આ પ્રયત્ન કર્યો છે. ગઈકાલે 700થી વધુ આગેવાનો હાજર હતા. તે દરેકે બધા જ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર તે સક્રિય થયા હતા. તે જ રીતે અમે દરેક બુથના અને કમિટીના કાર્યકર્તાઓ સુધી પહોંચવાનો અને સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર સક્રિય કરવાનો પ્રયત્ન કરવાના છીએ. સાથે સાથે બુથમાં પેજ કમિટીનું કામ મજબૂત કરવાની સૂચના આપી છે. આવનારા 30 દિવસથી અંદર આ કાર્ય પૂર્ણ થશે તેવું પ્રમુખ વિજ્ય શાહ સહિત મહામંત્રી અને સંગઠને ખાતરી આપી છે.

ઉલ્લેખનીય છે કે, હાલ સયાજીગંજમાં ભાજપનું જે શહેર કાર્યાલય કાર્યરત છે તે વિસ્તાર શહેરનો વ્યસ્ત અને સૌથી વધુ ટ્રાફિકની અવરજવરવાળો વિસ્તાર છે. તેની વચ્ચે કાર્યાલય પર કરાતી કામગીરી અને તેના માટે કાર્યાલય પર આવતા કાર્યકરો, હોદ્દેદારોનાં વાહનોની સંખ્યા વધુ રહેતી હોય છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા અવારનવાર જોવા મળે છે. આ પ્રશ્નોને લઈ ભાજપના રાષ્ટ્રીય નેતાઓ દ્વારા પોતાની જગ્યા પર કાર્યાલય બનાવવા પ્રયાસ કરાયા હતા. 

આ કાર્યક્રમમાં વડોદરાના મેયર નિલેશ રાઠોડ, સાંસદ અને ધારાસભ્ય સહિત કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share :

Leave a Comments