વડોદરામાં કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મતદાન કરનારને 10થી 15% ડિસ્કાઉન્ટની જાહેરાત

એસોસિએશન દ્વારા મતદાન કરીને તેની નિશાની બતાવ્યા બાદ ડિસ્કાઉન્ટ મળશે!

MailVadodara.com - Chemists-and-Druggists-Association-in-Vadodara-announces-10-to-15-percent-discount-to-voters

- મેડિકલ સ્ટોરના પ્રવેશ દ્વારે મતદાન જાગૃતિના સ્ટિકર પણ મૂકવામાં આવ્યા

ગુજરાતમાં લોકસભાની ચૂંટણી 7 મેના રોજ યોજાનાર છે. ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્રના સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. જેમાં વડોદરા શહેરના કેમિસ્ટ અને ડ્રગિસ્ટ એસોસિએશન દ્વારા મતદાન કરનારને 10થી 15 ટકા ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે.


મળતી માહિતી અનુસાર એસોસિએશનની ખોરાક અને ઔષધ નિયમન તંત્રના મદદનીશ કમિશનર સાથે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં આ એસોસિએશન દ્વારા મતદાન કરીને તેની નિશાની બતાવ્યા બાદ મેડિકલ સ્ટોર પરથી 10થી 15 ટકા જેટલું ડિસ્કાઉન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત એસોસિએશન દ્વારા શહેરના મેડિકલ સ્ટોર પર 1500 જેટલા મતદાન જાગૃતિ અંગેના સ્ટિકર તેમજ જાહેર સ્થળોએ મતદાન જાગૃતિ માટેના બેનર લગાવવામાં આવનાર છે. મેડિકલ સ્ટોરના પ્રવેશદ્વારે મતદાન જાગૃતિના સ્ટિકર પણ મૂકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, પ્રથમ તબક્કામાં ઓછું મતદાન થતાં તંત્રનું સફાળું જાગ્યું છે અને વડોદરા બેઠક ઉપર ત્રીજા ચરણમાં યોજાનાર ચૂંટણીમાં મહત્તમ મતદાન થાય તે માટે પ્રયાસો શરૂ કરી દીધા છે. તંત્ર દ્વારા વિવિધ સામાજિક સંસ્થાઓ, સંગઠનો, મંડળો, એસોસિએશનની મદદથી મતદાન જાગૃતિના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે, કાળઝાળ ઉનાળો હોય, વેકેશન હોય, મતદાન ઓછું થવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી. પરિણામે મોટી લીડથી વિજય મેળવવા માટેની જાહેરાત કરનાર રાજકીય પક્ષો પણ ચિંતામાં આવી ગયા છે, ત્યારે રાજકીય પક્ષો દ્વારા પણ મતદાન વધારવા માટે પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.

Share :

Leave a Comments