- પકડાયેલા ટેન્કરમાં 15 લાખની કિંમતનું 18.540 મેટ્રિક ટન કેમિકલ હતું, જેમાંથી 8200 રૂપિયાની કિંમતનું 100 લિટર કેમિકલ ચોરી કર્યું
અમદાવાદ-મુંબઇ નેશનલ હાઈવે પર વરણામા પાસે હોટલના કમ્પાઉન્ડમાં ચાલતા કેમીકલ ચોરીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. વરણામા પોલીસે રેડ પાડીને ટેન્કર સહિત કુલ 35.22 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને બે આરોપીની ધરપકડ કરી છે અને એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો છે.
વરણામા પોલીસને બાતમી મળી હતી કે, વરણામા ગામ પાસે નેશનલ હાઈવે પર દુર્ગા હોટલના કમ્પાઉન્ડમાં એક ટેન્કરનો ચાલક હોટલના સંચાલક સાથે મળીને ટેન્કરમાંથી કારબામાં ભરી કેમિકલની ચોરી કરે છે. જેથી વરણામા પોલીસે મોડી રાત્રે દોઢ વાગ્યાની આસપાસ રેડ પાડી હતી. આ સમયે તપાસ કરતા એક ટેન્કર ઊભેલું હતું અને ટેન્કરની ઉપર પ્લાસ્ટિકની પાઇપ લગાવી પાઇપ મારફતે જમીન પર મૂકેલ કારબામાં કેમિકલ કાઢવામાં આવતું હોવાનું જણાઈ આવ્યું હતું. આ દરમિયાન પોલીસને જાેતાં જ ત્રણ શખ્સો રાત્રિના અંધારામાં ભાગવા લાગ્યા હતા. જાેકે પોલીસે મિથુન ઉર્ફે મિતેષ પ્રતાપભાઇ મેઘવાલ (રહે. સાંઇનાથ સોસાયટી, દરબાર ચોકડી, માંજલપુર, વડોદરા)ને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય બે ભાગવામાં સફળ રહ્યાં હતાં. ઝડપાયેલો શખ્સ હોટલનો માલિક હોવાનું આવ્યું હતું. બાદમાં પોલીસે મહારાષ્ટ્ર પાસિંગની ટેન્કરના ચાલક અરવિંદ પદુનાથ યાદવ (રહે.થાણે, મહારાષ્ટ્ર)ને પણ ઝડપી પાડયો હતો જ્યારે અન્ય એક શખ્સ ઝડપાયેલા હોટલ માલિકના પુત્ર આકાશ મિથુનભાન મેઘવાલને વોન્ટેડ જાહેર કરાયો હતો.
વરણામા પોલીસે ટ્રકમાં તપાસ કરતાં એક બિલ્ટી મળી હતી. જેમાં શ્રી ગણેશ ટ્રાન્સપોર્ટ સર્વિસ થાને વેસ્ટની ટેન્કર હતી. તેમજ ટેન્કરમાં આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ ભરેલું હોવાનો ઉલ્લેખ હતો. જથ્થો મોકલનાર તરીકે દીપક ફીનોલીક્સ લિ. દહેજ અને ખરીદનાર તરીકે ફીનર લિમિટેડનો ઉલ્લેખ હતો. પકડાયેલા ટેન્કરમાં 15 લાખની કિંમતનું 18.540 મેટ્રિક ટન કેમિકલ ભરેલ હતું. જેમાંથી 8200 રૂપિયાની કિંમતનું 100 લિટર કેમિકલ ચોરી કરવામાં આવ્યું હતું. વરણામા પોલીસે કેમિકલ ભરેલા 2 અને ખાલી 8 કારબા, મોબાઇલ, ટેન્કર ટેન્કર મળીને કુલ 35.22 લાખ રૂપિયાની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને પકડાયેલા બે આરોપીની પૂછપરછ શરૂ કરીને વધુ તપાસ શરૂ કરી છે.