સુરસાગર વિસ્તારમાં પાણીપુરીની લારીઓનું ચેકિંગ, 12 કિલો બટેટા અને 90 લિટર પાણીનો નાશ કર્યો

વડોદરા કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા આરોગ્ય લક્ષી ચેકિંગ શરૂ કરાયું

MailVadodara.com - Checking-Panipuri-lorries-in-Sursagar-area-destroyed-12-kg-of-potatoes-and-90-liters-of-water

- પાલિકાએ 22 પાણીપુરીની લારીઓનું તેમજ 3 ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કર્યું


ઉનાળાની સીઝનને ધ્યાનમાં રાખીને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ સેફ્ટી ઓફિસરોની ટીમ દ્વારા આરોગ્ય લક્ષી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં તૈયાર કેરીનો રસ વેચતા ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યા બાદ પાણીપુરીના ધંધાર્થીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.


વડોદરા શહેરની મધ્યમાં સુરસાગર વિસ્તાર કે જ્યાં લોકો ફરવા વધુ આવે છે, ત્યાં પાણીપુરીની લારીઓ પણ વધુ ઉભી રહે છે. આ સ્થળે કોર્પોરેશન દ્વારા 22 પાણીપુરીની લારીઓનું તેમજ ત્રણ ખાણીપીણીના ધંધાર્થીઓનું ચેકિંગ કર્યું હતું. આ ચેકિંગ દરમિયાન પૂરી સાથે અપાતા પાણીનો કુલ 90 લીટર જથ્થો નાશ કર્યો હતો. આ ઉપરાંત બગડી ગયેલા 12 કિલો બટેટાનો પણ નાશ કરવામાં આવ્યો હતો. જ્યારે કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કર્યા વિના ધંધો કરતા પાંચ લારીઓ બંધ કરાવી હતી. પૂરી સાથે અપાતા પાણીને ઠંડુ કરવા માટે બરફનો સીધો ઉપયોગ કરવામાં આવે છે.

આ બરફ અનહાઇજેનિક હોય છે, જેથી પાણી ઠંડુ કરવા બીજો કોઈ વિકલ્પ શોધી કાઢી અનહાઇજેનિક બરફનો ઉપયોગ નહીં કરવા તાકીદ કરવામાં આવી હતી. કારણ કે આ બરફનો ઔદ્યોગિક વપરાશ માટે પણ ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના બરફનો ઉપયોગ નહીં કરવા અવારનવાર તેઓને સૂચના પણ આપવામાં આવી છે, અને રજીસ્ટ્રેશન વિના જે લોકો ધંધો કરે છે તેઓને તાત્કાલિક કોર્પોરેશનમાં રજીસ્ટ્રેશન કરાવી લેવાની સૂચના આપવામાં આવી છે. હવે પછી રજીસ્ટ્રેશન વિના ધંધો કરતા પકડાઈ જશે તો ફૂડ સેફટી એક્ટ હેઠળ કાર્યવાહી કરવામાં આવશે તેવી તાકીદ કરવામાં આવી હતી. હાલ ઉનાળાની સિઝનમાં પાણીજન્ય રોગચાળામાં ઉછાળો આવ્યો છે જેને અનુલક્ષીને આ ચેકિંગ કરવામાં આવ્યું છે, અને હજુ પણ ચેકિંગની કાર્યવાહી બીજા વિસ્તારોમાં ચાલુ રાખવામાં આવશે.


Share :

Leave a Comments