ચાંદોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલને ACBએ છટકુ ગોઠવી 35 હજારની લાંચ લેતા ઝડપી પાડ્યો

દારૂની બે બોટલ સાથે પકડાયેલા વ્યક્તિએ કેસ ન કરવા કહેતા ૫૦ હજાર માંગ્યા હતા

MailVadodara.com - Chandod-police-station-constable-arrested-by-ACB-for-taking-bribe-of-35-thousand

- કોન્સ્ટેબલે ૫૦ હજાર માંગતા અંતે 35 હજાર આપવાનું નક્કી કર્યા બાદ વ્યક્તિ લાંચ આપવા ન માંગતો હોય ગ્રામ્ય એસીબીનો સંપર્ક કર્યો હતો

વડોદરા જિલ્લાના ચાંદોદ પોલીસ સ્ટેશનના તેનતલાવ બીટના પોલીસ કોન્સ્ટેબલ મોતી રબારીને વડોદરા લાંચ રુશ્વત વિરોધી શાખાએ રૂપિયા 35 હજારની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. આ કોન્સ્ટેબલે બે દિવસ પહેલાં દારુની બે બોટલ સાથે ઝડપાયેલા વ્યક્તિ પાસેથી કેસ દાખલ ન કરવા માટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી.

વડોદરા જિલ્લા પોલીસ તંત્રમાં ચકચાર જગાવી મૂકનાર આ બનાવ અંગે મળેલી માહિતી પ્રમાણે પોલીસ કોન્સ્ટેબલ મોતી રબારી ચાંદોદ પોલીસના તેનતલાવ પોલીસ ચોકીમાં ફરજ બજાવે છે. બે દિવસ પહેલાં કોન્સ્ટેબલ મોતી રબારીએ દારુની બે બોટલ સાથે એક વ્યક્તિને ઝડપી પાડયો હતો. આ વ્યક્તિએ પોલીસની ઝંઝટમાં ન પડવા માટે કેસ ન કરવા વિનંતી કરી હતી. દારૂની બે બોટલ સાથે ઝડપાયેલા વ્યક્તિની ગરજ જોઇ કોન્સ્ટેબલ મોતી રબારીએ કેસ ન કરવા માટે રૂપિયા 50 હજારની માંગણી કરી હતી. જોકે, તોડજોડના અંતે રૂપિયા 35 હજાર નક્કી થયા હતા. પરંતુ, દારુની બોટલ સાથે ઝડપાયેલ વ્યક્તિ લાંચ આપવા માંગતો ન હતો. આથી તેણે વડોદરા ગ્રામ્ય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી.

વડોદરા લાંચ રૂશ્વત વિરોધી શાખાના મદદનીશ નિયામક પરેશ ભેંસાણીયાના માર્ગદર્શન વડોદરા ગ્રામ્ય એસીબીએ ફરિયાદના આધારે લાંચનું છટકું ગોઠવ્યું હતું. છટકા મુજબ દારુની બોટલ સાથે ઝડપાયેલા વ્યક્તિએ કેસ ન કરવા માટે કોન્સ્ટેબલ મોતી રબારીને રૂપિયા 35 હજારની લાંચની રકમ આપતા જ વોચમાં ગોઠવાયેલી એસીબીની ટીમે તેને દબોચી લીધો હતો. તેનતલાવ પોલીસ ચોકીનો પોલીસ કોન્સ્ટેબલ મોતી રબારી લાંચ લેતા ઝડપાયો હોવાની વાત વાયુવેગે જિલ્લા પોલીસ તંત્રમાં પ્રસરી જતાં ચકચાર મચી ગઇ હતી. એસીબી લાંચ લેતા ઝડપાયેલા મોતી રબારીના રહેણાંક મકાનમાં પણ સર્ચ ઓપરેશનની કાર્યવાહી હાથ ધરી હોવાનું જામવા મળ્યું હતું. હાલ એસીબીએ લાંચ લેતાં ઝડપાયેલા કોન્સ્ટેબલ મોતી રબારી સામે લાંચ રૂશ્વત વિરોધી એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Share :

Leave a Comments