વડોદરા નજીક નેશનલ હાઇવે પર કારમાં આગ લાગતા ભડકે બળી, યુવક-યુવતીનો બચાવ

ગાજરાવાડી ફાયર બ્રિગેડના લાશ્કરોએ સ્થળ પર દોડી જઇ આગને કાબૂમાં લીધી હતી

MailVadodara.com - Car-caught-fire-on-National-Highway-near-Vadodara-rescue-of-young-man-and-woman

- કપુરાઇ બ્રિજ પાસે અચાનક ધૂમાડા નીકળતા કાર રોડની સાઇડ પર ઉભી રાખી કારચાલક યુવક અને યુવતી કારમાંથી બહાર નીકળી ગયા હતા


વડોદરા નજીક નેશનલ હાઇવે 8 ઉપર કપુરાઇ બ્રિજ પાસે વોક્સવેગન કારમાં અચાનક આગ ફાટી નીકળી હતી. કારમાં સવાર યુવાન અને યુવતી સમય સુચકતા વાપરી કારની બહાર નીકળી ગયા હતા. દરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને પાણીમારો ચલાવી કારમાં લાગેલી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. આ બનાવને પગલે હાઈવે ઉપર ટ્રાફિકજામ થઈ ગયો હતો.

મળેલી માહિતી પ્રમાણે કરજણના નારેશ્વર ખાતે રહેતા કપિલભાઇ દવે એક યુવતી સાથે નારેશ્વરથી વોક્સવેગન કારમાં વડોદરા તરફ આવી રહ્યા હતા. દરમિયાન કપુરાઇ બ્રિજ પાસે કારમાંથી અચાનક ધૂમાડા નીકળવાનું શરૂ થતાં કારચાલકે પોતાની કાર રોડની સાઇડ ઉપર ઉભી રાખી દીધી હતી અને યુવતી સાથે કારમાંથી ઉતરી સલામત સ્થળે પહોંચી ગયા હતા.


કાર ચાલક અને યુવતી કારમાંથી ઉતર્યા બાદ કારમાં લાગેલી આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ભડભડ સળગી ઉઠેલી કારને પગલે ભરૂચથી વડોદરા તરફના હાઇવે પર વાહનોની લાંબી કતારો લાગવાની શરૂઆત થઈ ગઈ હતી. આ સાથે આ બનાવની જાણ વડોદરા ફાયર બ્રિગેડને કરવામાં આવતા ગાજરાવાડી ફાયર બ્રિગેડના ભરતભાઇ ડોડિયા તથા સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો અને આગ ઉપર પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી.

ફાયરબ્રિગેડના ભરતભાઇ ડોડિયાએ જણાવ્યું હતું કે, કાર નારેશ્વરથી વડોદરા તરફ આવી રહી હતી. કાર ચાલકનું નામ પૂછતા તેને પોતાનું નામ કપિલભાઇ દવે હોવાનું કહ્યું હતું. તેમજ નારેશ્વર ખાતે રહેતા હોવાનું જણાવ્યું હતું. તેઓની સાથે એક યુવતી હતી. બંને સમયસર કારમાંથી ઉતરી જતા કોઈ જાનહાનિ થઈ નથી. પરંતુ, વોક્સવેગન કાર બળીને ખાખ થઈ ગઈ હતી. કારમાં લાગેલી આગ અંગેની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી. પોલીસે આ અંગે કાર્યવાહી હાથ ધરી છે. 

Share :

Leave a Comments