- યુવકે કેશિયરના ડ્રોઅરમાંથી પૈસા કાઢીને ઉછાળ્યા, પેટ્રોલપંપના કર્મચારીએ ફરિયાદ કરવાની ના કહેતાં યુવકને છોડી દેવાયો
- વડોદરા તાલુકા પોલીસે યુવકની અટકાયત કરીને તપાસ કરતાં તે માતા સાથે રહે છે અને માનસિક રીતે અસ્થિર હોવાનું સપાટી પર આવ્યું
વડોદરા શહેર નજીક આવેલા ભીમપુરા પેટ્રોલપંપ ખાતે નગ્ન હાલતમાં પહોંચેલા યુવકે તાયફો કરતાં પંપના કર્મીઓમાં અફરાતફરી મચી ગઈ હતી. યુવકે પેટ્રોલપંપ પર ધમાલ કરીને પેટ્રોલપંપની નોઝલ ચાલુ કરીને જાહેરમાં પેટ્રોલ ઉડાવ્યું હતું અને કેશિયરની કેબિનના ડ્રોઅરમાંથી પૈસા કાઢીને ઉછાળ્યા હતા. આ ઘટનાને પગલે પેટ્રોલપંપના કર્મચારીઓ અને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના પેટ્રોલપંપના સીસીટીવીમાં કેદ થઇ ગઈ હતી. આખરે વડોદરા તાલુકા પોલીસે યુવકની અટકાયત કરીને તપાસ કરતાં તે માનસિક રીતે અસ્થિર હોવાનું સપાટી પર આવ્યું હતું.
ગઇકાલે મળસકે ત્રણ વાગે ભીમપુરા પેટ્રોલપંપ ખાતે એક પેટ્રોલ ભરનાર કર્મી હાજર હતો અને એક કેશિયર હાજર હતો, ત્યારે અંદાજે 30-35 વર્ષનો એક વસ્ત્રહીન યુવક પેટ્રોલપંપ ખાતે પહોંચ્યો હતો. આ વસ્ત્રહીન યુવકને જોઈને પંપના કર્મીઓ ચોંકી ઊઠ્યા હતા. કર્મીઓ કાંઇ સમજે તે પહેલાં પેટ્રોલ પૂરવાની નોઝલ લઇને તેણે અંદાજે 15 હજારનું પેટ્રોલ નીચે ઢોળી દીધું હતું. આ પછી તે કેશિયરના ટેબલ પર જઇને રોકડ ઉડાવવા લાગ્યો હતો.
આખો પેટ્રોલપંપ માથે લેતા પેટ્રોલપંપના માલિક ઘટના સ્થળે દોડી ગયા હતા અને પોલીસને જાણ કરી હતી અને યુવકને સમજાવવાનો પ્રયાસ શરૂ કર્યો હતો, પરંતુ યુવક કોઇ વાત માનવા તૈયાર નહોતો.
પંપના કર્મીઓએ વડોદરા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસ પેટ્રોલપંપ ખાતે પહોંચી હતી અને વસ્ત્રહીન યુવકને પકડયો હતો. યુવક વડોદરામાં તેની માતા પાસે રહે છે, તેનાં લગ્ન એક વર્ષ પહેલાં થયાં હતાં અને અગાઉ તે બેંકમાં નોકરી કરતો હતો, યુવકના પિતા ભોપાલમાં નિવૃત્ત જીવન ગુજારે છે અને યુવક માનસિક રીતે અસ્થિર હોવાનું પણ તપાસમાં સપાટી પર આવ્યું છે. પેટ્રોલપંપના કર્મીએ ફરિયાદ કરવાની ના કહેતાં યુવકને છોડી દેવાયો હતો.