- વિડીયો અને ફોટા વાયરલ થતાં કચરાપેટી હટાવી છોડના કુંડા મુક્યા
- અધિકારીઓ કહે છે મજૂરોની ભૂલ હતી
- ભૂતકાળમાં એક ઉચ્ચ અધિકારીએ કિશનવાડી રોડ પર ડીવાઈડર પર કચરાપેટી મુકી બુદ્ધિનું દેવાળું ફૂંક્યું હતું..!
વિશ્વમાં ક્યાંય ના જોવા મળે એવું તમને વડોદરામાં અવશ્ય જોવા મળે. વિશ્વના કોઈ પણ દેશમાં રોડના ડીવાઇડર પર કચરા પેટી તમને જોવા નહીં મળે, પરંતુ વડોદરાના કહેવાતા કુશળ અધિકારીઓમાં ડીવાઇડર પર કચરાપેટી મુકવાની ગજબની આવડત છે.
વડોદરામાં ચારેય કોર માત્ર અને માત્ર વિકાસ થઈ રહ્યો છે એવા દાવા કરતા હરખપદુડા થઈ જતાં શાશકો વહીવટી તંત્ર પર પકડ ગુમાવી ચુક્યા છે. વહીવટી તંત્ર ની અણ આવડતની પરાકાષ્ઠા એટલી હદે વધી ગઈ છે કે વિકાસના માપદંડો જ બદલાઈ ગયા છે. પાલિકાના કહેવાતા હોશિયાર અધિકારીઓને ડીવાઇડર પર કચરાપેટી મુકવાનું સૂઝયું. તાજેતરમાં રૂપિયા બસો કરોડના ખર્ચે બનેલા અટલ બ્રિજ નીચે મનીષા ચોકડી સુધીના નીચેના રોડ પર ડીવાઇડર પર સિમેન્ટની કચરા પેટી મુકી હતી. આ કચરાપેટી પર મહાનગર પાલિકાની સાથે લખ્યું છે કે કચરો મને આપો... બોલો, આવું નવું નજરાણું તમે ક્યાંય જોયું છે..?
પહેલી વાત તો આ કચરાપેટી જ્યાં મુકવામાં આવી હતી ત્યાં કચરો નાખશે કોણ? કારણ કે અહીંથી વાહનો પસાર થાય છે. સ્વચ્છ અને સુંદર જગ્યાએ જ્યાં કચરો નથી ત્યાં કચરો નાંખી ગંદકી કરવાનો ફળદ્રુપ વિચાર ક્યાં અધિકારી ને આવ્યો ? જો કે પાલિકાની અણ આવડતના વીડિયો વાયરલ થતા તુરંત જ કચરાપેટીના કુંડા હટાવી લેવામાં આવ્યા અને છોડના કુંડા મુકવામાં આવ્યા. આ અંગે અધિકારીઓ નું કહેવું છે કે આ માનવીય ભૂલ છે. મજૂરોને અહીં છોડના કુંડા મુકવા કીધું હતું પરંતુ એમણે ભૂલ થી કચરાપેટીના કુંડા મુકી દીધા. ખેર, વીડિયો અને ફોટા વાયરલ થયા પછી કચરાપેટીના કુંડા હટી તો ગયા, જો આ ફોટા કે વીડિયો વાયરલ ના થયા હોત તો આ કચરાપેટીના કુંડા પણ વિકાસના માપદંડ બની ગયા હોત...