- આ યુવક આસપાસ મજૂરી કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો મળી, પોલીસે આ અજાણ્યા યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે
વડોદરા જિલ્લાના પાદરા તાલુકાના મજાતન ગામે એક અજાણ્યા યુવકનો મૃતદેહ કૂવામાં હોવાની માહિતી વડુ પોલીસ મથકને મળતા પોલીસે ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચીને એક કલાકની ભારે જહેમત બાદ યુવકની લાશ 100 ફૂટ ઊંડા કૂવામાંથી બહાર કાઢવામાં આવી હતી. જોકે, આ યુવક કોણ છે તે હજુ સ્પષ્ટ થયું નથી. પોલીસે યુવકની લાશનો કબજો લઈ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં આવેલો મજાતન ગામ પાસેથી પસાર થતાં કોઈ વ્યક્તિએ વડુ પોલીસ મથકને જાણ કરી હતી કે, કુવામાં કોઈ વ્યક્તિ પડેલ છે. આ વિગતો મળતાની સાથે જ વડુ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને ફાયર વિભાગને જાણ કરી હતી. આ યુવક આસપાસ મજૂરી કામ કરતો હોવાની પ્રાથમિક વિગતો છે. પોલીસે આ અજાણ્યા યુવકના પરિવારજનોની શોધખોળ શરૂ કરી છે.
વડોદરા ફાયર કંટ્રોલરૂમ બદામડી બાગ ખાતે સવારે 9 કલાકે અજાણ્યા યુવકની લાશ કૂવામાં હોવાની માહિતી મળતા વડોદરા જીઆઇડીસી ફાયર સ્ટેશનની ટીમ રવાના થઈ હતી. પાદરાના મજાતન ગામ પાસે કુવામાં યુવકનો મૃતદેહ હોવાની વાત જાણી ફાયર વિભાગ દ્વારા રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર વિભાગે એક કલાકની ભારે જહેમત બાદ યુવકના મૃતદેહને બહાર કાઢ્યો હતો.
આ અંગે વડોદરા જીઆઇડીસી ફાયર વિભાગના કર્મચારી જનક પંચાલે જણાવ્યું હતું કે, ફાયર વિભાગને કોલ મળતાની સાથે જ અમે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જે યુવક કુવામાં પડ્યો હતો તે 100 ફૂટ જેટલો ઊંડો હતો અને આ કૂવામાં 30 ફૂટ જેટલું પાણી હતું. જેથી અમારી ટીમે રોપ લેડર, રસ્સા અને બિલાડી જેવા સાધનોથી યુવકની શોધખોળ હાથ ધરી હતી. એક કલાકની ભારે જહેમત બાદ ફાયર વિભાગને યુવકને કુવામાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી અને ફાયર વિભાગે યુવકની લાશ પોલીસને સોંપી હતી.
આ બનાવ અંગે વડુ પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. તપાસ કરનાર અધિકારી દેવલભાઈએ જણાવ્યું હતું કે, આ હાલમાં પ્રાથમિક દૃષ્ટિએ સુસાઈડ હોય તેવું લાગી રહ્યું છે. આ યુવકની ઉંમર આશરે 35 થી 40 વર્ષ હોઈ શકે છે. આ યુવકની હજુ ઓળખ થઈ નથી. યુવકની લાશનો કબજો લઈ હાલમાં વડુ સીએચસી સેન્ટર ખાતે પોસ્ટમોર્ટમ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.