- અંગ્રેજી માધ્યમની ઉત્તરવહી ચકાસણી માટે 50 ટકા શિક્ષકો જ આવી રહ્યા છે
- ઘણાં કિસ્સામાં શાળા છોડી દીધી હોય અને અન્ય શાળામાં હોય તો બે જગ્યાએથી ઉત્તરવહી ચકાસણીની કામગીરી માટે ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું પણ બન્યું
બોર્ડ પરીક્ષાઓ પૂરી થઇ ગઇ છે ત્યારે હવે ધોરણ 10-12ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ધોરણ 10માં 140માંથી 98 શિક્ષકો જ હાજર થયા છે. મેડિકલ કારણો આપી અન્ય શિક્ષકો હાજર થયા નથી. અંગ્રેજી માધ્યમની ઉત્તરવહી ચકાસણી માટે 50 ટકા શિક્ષકો જ આવી રહ્યા છે. શહેરમાં વિવિધ કેન્દ્રો પર ઉત્તરવહી ચકાસણીની કામગીરી કરવામાં આવી રહી છે.
ધોરણ 10-12ની ઉત્તરવહી ચકાસણીની કામગીરી શરૂ થઇ ગઇ છે. ધોરણ 10માં ગુજરાતી માધ્યમથી ઉત્તરવહી ચકાસણી માટે 140 જેટલા શિક્ષકોને ઓર્ડર કરવામાં આવ્યા હતા. જોકે તેમાંથી 98 શિક્ષકો જ હાજર થયા હોવાની જાણકારી મળી છે. 20 જેટલા શિક્ષકોએ મેડિકલનું કારણ ધરીને આવવાની ના પાડી દીધી છે. ઘણાં કિસ્સામાં શાળા છોડી દીધી હોય અને અન્ય શાળામાં હોય તો બે જગ્યાએથી ઓર્ડર કરવામાં આવ્યા હોવાનું પણ બન્યું છે. ખાનગી શાળા દ્વારા જ શિક્ષકો મોકલવામાં અખાડા કરવામાં આવી રહ્યા હોવાની વિગતો બહાર આવી છે.
ધોરણ 10 અંગ્રેજી પ્રથમ ભાષા અને સંસ્કૃતની ઉત્તરવહી ચકાસણી શરૂ કરવામાં આવી છે. બીજી તરફ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અંગ્રેજી માધ્યમ માટે 50 ટકા શિક્ષકો ઉત્તરવહી ચકાસણી કરવા માટે ઉપસ્થિત જ થયા નથી. મોટાભાગની ખાનગી શાળાના શિક્ષકો હાજર રહેતા ના હોવાની ફરીયાદ પણ ઉઠી છે. ધોરણ 12 ગુજરાતી માધ્યમની કેમિસ્ટ્રી, ફીઝીકસની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂરી થવાના આરે છે. એક બે દિવસમાં ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂરી થઇ જશે. સેન્ટરો પર 180 જેટલા શિક્ષકોના નામ બોલગા હોય છે પણ 95 થી 100 જેટલા શિક્ષકો જ ઉત્તરવહી ચકાસણી માટે આવી રહ્યા છે. એકાદ સપ્તાહમાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ જશે.
ઉલ્લેખનીય છે કે, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની ઉત્તરવહી ચકાસણી કરવા માટે ખાનગી શાળા દ્વારા જે શિક્ષકો મોકલવામાં આવ્યા હતા તેમાં બીઇ-એમઇ થયેલા શિક્ષકો હતા. બીએસસી બીએડ કે એમએસસી બીએડ થયેલા શિક્ષકો જ માન્ય ગણાય છે જેથી 15થી 20 બીઇ-એમઇ થયેલા શિક્ષકોને ઉત્તરવહી ચકાસણી માટે નક્કી કરેલા કેન્દ્ર પરથી પરત મોકલવામાં આવ્યા હતા.