- કોંગ્રેસ અગ્રણીઓના નિવાસ સ્થાનો ઉપર મોડી રાતથી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો
વડાપ્રધાન મોદી કર્મભૂમિ વડોદરામાં આજે આવી રહ્યા છે ત્યારે વિરોધ પક્ષ કોંગ્રેસના શહેર પ્રમુખ સહિત 10 થી 12 કોંગી અગ્રણીઓને શહેર પોલીસે ડીટેઇન કર્યા છે, જેમાં કેટલાકના ઘરે પોલીસ બેસાડીને તેમને ઘર બહાર નીકળવાની મનાઈ ફરમાવી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંસદમાં નારી શક્તિ વંદના બિલના પસાર કરાયા બાદ સૌપ્રથમવાર તેમની કર્મભૂમિ વડોદરા ખાતે આવી રહ્યા છે ત્યારે નવલખી મેદાનમાં જંગી જાહેર સભા સંબોધવાની તૈયારીઓ મોટાભાગે પૂર્ણ થઈ ગઈ છે
જ્યારે બીજી બાજુ શહેર પોલીસ કમિશનર અશોકસિંહ ગેહલોટે શહેરમાં હાલની એરપોર્ટથી સયાજીનગર ગૃહ અને રાજમહેલ રોડથી અકોટા બ્રિજ સહિત નવલખી સુધીના રૂટ પર ઠેર ઠેર જંગી પોલીસ કાફલો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આગમન ટાણે ગોઠવી દીધો છે સતત 18 કલાકના સળંગ બંદોબસ્તમાં શહેર પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસ ઇન્સ્પેક્ટરો, સબ ઇન્સ્પેક્ટરથી માંડીને 7000 થી વધુ પોલીસકર્મીઓ ચુસ્ત પોલીસ બંદોબસ્તમાં ખડકાયા છે.
જ્યારે બીજી બાજુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે કોઈ કાળા વાવટા કે પછી અન્ય કોઈ જાતનું વિરોધ પ્રદર્શન કરે નહીં કે પછી કોઈ કોંગી નેતાઓ સહિત અગ્રણી કાર્યકરો કોઈપણ જાતનો વિરોધી કાર્યક્રમ ન આપે એવા હેતુથી અનેક કોંગી અગ્રણી નેતાઓને ડીટેઇન કરી લેવાયા છે કે પછી તેમના ઘરેથી કોંગી નેતાઓને બહાર નીકળવા પર મનાઈ ફરમાવી ઘર બહાર પોલીસ ગોઠવી દેવાઇ છે.
વડાપ્રધાનના આગમનની મોડી રાતથી સહિત કેટલાક કાર્યકરને ડીટેઇન કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોશીને તેમના નિવાસસ્થાનેથી પોલીસે અટકાયત કરી છે. પૂર્વ કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર રાવત, અમી રાવતને ઘર બહાર નહીં નીકળવા દેવા માટે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. હરી ઓડ, પવન ગુપ્તા, સ્વેજલ વ્યાસની પણ અટકાયત કરી હોવાનું જાણવા મળે છે. અન્ય કેટલાક કોંગી અગ્રણીઓના ઘર બહાર પોલીસ પહેરો ગોઠવી દઈ નજર કેદ કરવામાં આવ્યા છે.
વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિજ જોષીએ વધુમાં જણાવ્યું કે, જો વડાપ્રધાન આવવાના હોય તો રસ્તા રાતો રાત બની જતા હોય તો પછી મેયરના વોર્ડમાં આવેલા વિસ્તારનો રસ્તો કેમ બનાવવામાં આવતો નથી. કોર્પોરેશનના હોદ્દેદારો અને કોન્ટ્રાક્ટરો વચ્ચે ચાલી રહેલા ગજગ્રાહમાં લોકોએ શા માટે ભોગવવું, તેવો સવાલ ઉઠાવ્યો હતો.
તેઓએ જણાવ્યું હતું કે, મારા ઘરે રાતથી જ પોલીસ બેસાડી દેવામાં આવી છે અને મને નજર કેદ કરી દેવામાં આવ્યો છે. પોલીસ પાસે મને રોકવાની કોઇ સત્તા નથી. પોલીસે મારી અટકાયત કરી છે અને પોલીસ ભાજપના ઇશારે કામ કરી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ દારૂના અડ્ડા બંધ નથી કરાવતી, તેમની સામે તમારી તાકાત બતાવો. ભાજપના બનીને કામ કરે છે.
વડાપ્રધાન મોદીની સભા રંગે ચંગે પૂર્ણ થયા બાદ આ તમામ કોંગ્રેસી અગ્રણીઓ સહિત નેતાઓ અને ડીટેઈન કરાયેલા કાર્યકરોને અને કથિત નજરકેદ કરાયેલા તમામ કોંગી અગ્રણીઓને સમી સાંજે મુક્ત કરાશે તેમ જાણવા મું હતું.