બેંક ઓફ બરોડાની ગ્રામીણ શાખાઓમાં ભરતી કરવાની માંગ સાથે કર્મચારીઓએ ધરણાં કર્યાં

સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતા બેંક કર્મચારીઓએ ધરણાં કર્યા

MailVadodara.com - Bank-of-Baroda-employees-staged-dharna-demanding-recruitment-in-rural-branches

- આગામી ટૂંક સમયમાં પ્રશ્ન હલ નહીં થાય તો 31 માર્ચથી હડતાળ ચીમકી

- કર્મચારીઓના સરકાર વિરૂદ્ધ સુત્રોચ્ચાર, કહ્યું માનસિક તણાવમાં કામ કરીએ છે


સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી ગ્રામીણ બેંક ઓફ બરોડામાં કર્મચારીઓની ભરતી બંધ કરી દેવામાં આવતા જોઇન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સોન્સર્સ આર.આર.બી. યુનિયનના નેજા હેઠળ કર્મચારીઓએ અલકાપુરી બેંક ઓફ બરોડા સ્તિત કચેરીના પટાંગણમાં ધરણાં કર્યાં હતા. કર્મચારીઓએ સરકારની નીતિ વિરૂદ્ધ સુત્રોચ્ચાર પણ કર્યાં હતા. કર્મચારી મંડળે ચીમકી આપતા જણાવ્યું હતું કે, વહેલીતકે પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો તા.31 માર્ચથી બેમુદતી હડતાળ કરવામાં આવશે. નોંધનીય છે કે, સરકાર દ્વારા ભરતી બંધ કરી દેવામાં આવતા બેરોજગારી કેવી રીતે દૂર થશે? સરકાર દ્વારા અનેક સરકારી કચેરીઓમાં ભરતી કરવામાં આવતી નથી.

જોઇન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સોન્સર્સ આર.આર.બી. યુનિયનના સંયોજક શિવકરણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, સરકાર દ્વારા છેલ્લા 10 વર્ષથી સરકાર દ્વારા ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ખાતે આવેલી ગ્રામીણ બેંક ઓફ બરોડા શાખાઓમાં નવી ભરતી ઉપર રોક લગાવી દેવામાં આવી છે. પરિણામે ગ્રામીણ બેંકોમાં ગ્રાહકોની સાથે કર્મચારીને પણ ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વખત આવ્યો છે. અનેક વખત ભરતી બાબતે રજૂઆત કરવા છતાં, સરકાર દ્વારા નવી ભરતી કરવામાં ન આવતા આજે ત્રણેય રાજ્યોના કર્મચારીઓ દ્વારા હેડ ઓફિસો ખાતે ધરણાં પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં આજે વડોદરા અલકાપુરી ખાતે આવેલી બેંક ઓફ બરોડાના હેડ ક્વાટર ખાતે ધરણાં-પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગ્રામીણ બેંક ઓફ બરોડામાં પ્રતિવર્ષ કર્મચારી-અધિકારીઓ નિવૃત્ત થઇ રહ્યા છે. પરંતુ, તેની સામે નવા કર્મચારીઓની ભરતી કરવામાં આવતી નથી. તે સાથે કર્મચારીઓ અને અધિકારીઓના પ્રમોશન પર રોક લગાવી દેવામાં આવી છે. સરકાર દ્વારા ગ્રામીણ બેંક ઓફ બરોડા શાખાઓમાં ભરતી બંધ કરવામાં આવતા ગ્રામીણ બેંકોની કામગીરી ઉપર માઠી અસર પડી રહી છે. નવી ભરતી કરવામાં ન આવતા કર્મચારીઓને સતત માનસિક તણાવ હેઠળ કામ કરવાની ફરજ પડી રહી છે.

સંયોજકે એવો પણ આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન ખાતે આવેલી ગ્રામીણ બેંક ઓફ બરોડા શાખાઓમાં હજારોની સંખ્યામાં કર્મચારીઓની ખાલી જગ્યાઓ પડી છે. પરંતુ, સરકાર દ્વારા કોઇ નવી ભરતી કરવામાં આવતી નથી. ગ્રામીણ બેંકના ચેરમેન બેંક અધિકારીઓના ઇશારે કર્મચારીઓ સાથે ગેરકાનુની વ્યવહાર કરી રહ્યા છે. ત્યારે બેંક કર્મચારીઓને શ્રમ કાયદા અનુસાર તમામ લાભો મળવા જોઇએ.


જોઇન્ટ ફોરમ ઓફ બેંક ઓફ બરોડા સોન્સર્સ આર.આર.બી. યુનિયનના સંયોજક શિવકરણ દ્વિવેદીએ જણાવ્યું હતું કે, આગામી ટૂંક સમયમાં અમારો પ્રશ્ન હલ કરવામાં નહીં આવે તો તા.31 માર્ચના રોજ ગુજરાત, ઉત્તરપ્રદેશ અને રાજસ્તાનમાં આવેલી ગ્રામીણ બેંક ઓફ બરોડા શાખાના તમામ કર્મચારીઓ હડતાળ ઉપર ઉતરી જશે. જેના કારણે તમામ બેંકી કામગીરી ઠપ થઇ જશે.

Share :

Leave a Comments