- ફતેગંજ પોલીસમથકે નવ વ્યક્તિ સામે ફરિયાદ
શહેરમાં એક તરફ રખડતા પશુ રાહદારીઓના જીવ જોખમમાં મૂકે છે તો બીજી તરફ રાહદારીઓની રક્ષા હેતુ રખડતા પશુઓને પાંજરે પૂરવાની ફરજ બજાવતા પાલિકાના કર્મચારીઓ સાથે અવારનવાર પશુ માલિકોના હુમલા સામે આવે છે. તેવામાં ફરી એક વખત પશુ માલિકો દ્વારા ઢોર પાર્ટીના કર્મચારીઓ ઉપર હુમલાની ઘટના સામે આવી છે. ફતેગંજ વિસ્તારમાં રખડતા પશુ પકડવાની પાલિકાની કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં પશુ માલિકોનું ડાંગ સાથે ઘસી આવેલું ટોળું પાલિકાના કર્મચારીઓને માર મારી પકડેલી ગાય છોડાવી જતા ફતેગંજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી દિવસની સાથે રાત્રે પણ કરવામાં આવી રહી છે. ત્યારે ગત રાત્રે ઢોર ડબ્બા શાખામાં માર્કેટ સુપરવાઇઝર પ્રદીપ નામદેવ લોખંડે ટીમ સાથે ફતેગંજ વિસ્તારમાં રસ્તે રખડતાં ઢોરને પકડવાની કામગીરી કરી રહ્યા હતા. આ દરમિયાન તેમને માહિતી મળી હતી કે, છાણી ગુરુદ્વારા સામે રોડ પર ગાયો બેઠેલી છે. જેથી તેઓ વર્ધીવાળી જગ્યાએ જતા હતા, ત્યારે મિલિટરી બોયઝ ચાર રસ્તા પાસે એક ગાય જાહેર રોડ પર રખડતી ગાય જોવા મળતા તેને દોરડા વડે બોલેરો ગાડી સાથે બાંધી હતી અને ટ્રેક્ટરની રાહ જોતા હતા. આ દરમિયાન ગાયનો માલિક નંદુ ભરવાડ અને સાતથી આઠ જેટલા માલધારી ત્યાં આવી પહોંચ્યા હતા અને ઢોર પાર્ટીના કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી હતી. જેમાંથી એક શખ્સે ઢોર પાર્ટીના રોહન ગણેશભાઇ લોખંડેને પગમાં લાકડી મારી હતી. તેમજ નંદુ ભરવાડે પ્રદીપ લોખંડેને પણ માર માર્યો હતો. તેમજ પકડેલી ગાયને છોડાવી ગયા હતા.
કોર્પોરેશનની ટીમ અને માલધારીઓ વચ્ચે ઝપાઝપી થઇ રહી હતી, ત્યારે ત્યાં વોર્ડ નંબર ૧ ના કોંગ્રેસના નગર સેવક જહાં ભરવાડ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પશુ માલિકો દ્વારા નગરસેવકની સામે જ પાલિકાની ઢોર પાર્ટીની ટીમ પર લાકડી વડે કરવામાં આવ્યો હુમલો કરવામાં આવ્યો હતો. જોકે સમગ્ર મામલો નગર સેવક દ્વારા થાળે પાડવામાં આવ્યો હતો. પશુ માલિકોની દાદાગીરી સામે પાલિકાની ઢોર પાર્ટીની ટીમે ફતેગંજ પોલીસ મથકમાં પશુ પાલક નંદુ ભરવાડ સહીત અન્ય સાતથી આઠ માણસોના ટોળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.