આવતીકાલે ચૈત્ર સુદ પૂર્ણિમાના પાવનપર્વે હનુમાનજીના જન્મોત્સવ નિમિત્તે શહેરના હરણી સ્થિત સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે, જે અંગે આજરોજ પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી.
આવતીકાલે શ્રી રામભક્ત હનુમાનજીનો જન્મોત્સવ સમગ્ર દેશ અને વિદેશના અનેક જગ્યાએ ઉજવવામાં આવનાર છે, ત્યારે શહેરના હરણી ખાતે આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન હનુમાનજી મંદિર ખાતે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જેને લઇને આજરોજ એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મંદિરના રોહિતગીરી ગોસ્વામીએ જણાવ્યું હતું કે, આવતીકાલે વિક્રમ સંવત 2079ને ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે હનુમાનજીનો જન્મ ઉત્સવની ઉજવણીના ભાગરૂપ સવારે સાડા છ વાગ્યે પ્રાગટ્ય આરતી, બપોરે મધ્યાહન આરતી, રાત્રે આઠ વાગ્યે નૃત્ય નાટિકા, ગણેશ વંદના સાથે જ ભગવાન શ્રી રામ, લક્ષણ, સીતાજી, હનુમાનજી, જામવંત સહિતના પાત્રો સ્ટેજ પર પ્રથમવાર પધારશે ત્યારબાદ સાડા આઠ કલાકે રાત્રે સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું છે.
આવતી કાલે મંદિરમાં હનુમાનજી પોતાની છાતી ચિરી ભગવાન શ્રી રામ અને માતા જાનકીના દર્શન કરાવે છે, તેનું ડેકોરેશન અહીં ભક્તોને જોવા મળશે. અહીં હનુમાનજીના દેવી સ્વરુપના પણ ભક્તોને દર્શન થાય છે, તે અંગે પણ રોહિતગીરી સ્વામી દ્વારા માહિતી આપવામાં આવી હતી સાથે જ સૌ વડોદરાના ભક્તોને મંદિરે દર્શન કરવા આમંત્રણ પાઠવ્યું હતું.