- ગઠિયો 7 હજારનું મંગળસૂત્ર તેમજ પર્સમાં એક મોબાઈલ ફોન, બે સ્માર્ટ વોચ તેમજ રોકડ 3 હજાર મળી કુલ રૂપિયા 55 હજારની મત્તા લૂંટી ફરાર
વડોદરા રેલવે યાર્ડમાં ટ્રેનની સ્પીડ ઘટતા ગઠીયાએ કળા બતાવી છે. રેલવે સ્ટેશનના યાર્ડ પાસે ટ્રેન ધીમી ગતિએ પડતા અજાણ્યા ગઠીયાએ ટ્રેનની બારીમાં હાથ નાખીને મંગળસૂત્ર અને પર્સની લૂંટફાટ કરીને ભાગી છૂટ્યો હોવાની ફરિયાદ સામે આવી છે. ભોગ બનનાર બે મહિલા ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરી મહારાષ્ટ્ર પરત ફરી હતી. જોકે સમગ્ર મામલાને લઈને મુસાફરે ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
રેલવે પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, મહારાષ્ટ્રના હવેલી ખાતેના રહેવાસી માધુરીબેન સચિનભાઈ ચૌહાણ 10 ઓગસ્ટના રોજ પરિવાર સાથે ઉજ્જૈન મહાકાલેશ્વરના દર્શન કરવા માટે નીકળ્યા હતા. જ્યાંથી 12 ઓગસ્ટના રોજ પરત ફરતા સમયે તેઓ ઇન્દોર દોંડ એક્સપ્રેસ ટ્રેનના કોચ નંબર એસ 8માં મુસાફરી કરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે 12 વાગ્યાના સુમારે તેઓ સૂઈ ગયા હતા. ટ્રેન વડોદરા રેલવે સ્ટેશનના યાર્ડ પાસે ધીમી ગતિએ હોય, જ્યાં અજાણ્યા ગઠીયાએ ટ્રેનની બહારથી બારીમાંથી હાથ નાખી માધુરીબહેને માથાના ભાગ નીચે રાખેલા લેડીઝ પર્સ ખેંચી લીધું હતું અને તેમની સહેલીના ગળામાંથી મંગળસૂત્ર ખેંચવાનો પ્રયાસ કરતા તે જાગી જતા બુમરાણ મચાવી હતી.
જોકે, ગઠિયો રૂપિયા 7 હજારની કિંમતનું મંગળસૂત્ર તોડી અંધારામાં નાસી છૂટ્યો હતો. જ્યારે લેડીઝ પર્સમાં એક મોબાઈલ ફોન, બે સ્માર્ટ વોચ તેમજ રોકડ રૂપિયા 3 હજાર સહિત કુલ રૂપિયા 55 હજારની મત્તા હતી. ચાલુ ટ્રેનમાં બનેલી આ ઘટનાને પગલે કોચમાં ચકચાર મચી ગઇ હતી. રેલવે પોલીસે આ બનાવની ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.