- શહેરના વિવિધ વિસ્તારોમાંથી કાઢવામાં આવતા 45 જેટલા તાજીયાના જુલુસ તા.29મીએ નીકળશે
- ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીની ટીમો સાદા ડ્રેસમાં સંવેદનશીલ વિસ્તારોમાં લોકોની હિલચાલ પર નજર રાખશે, અફવા ફેલાવનાર સામે સાયબર ક્રાઇમની બાજનજર રહેશે
- ચાર દરવાજા સહિત સંવેદનશીલ વિસ્તારોના 67 જેટલા રૂટ ઉપર ધાબા પોઇન્ટ ગોઠવાયા, 607 જેટલા બોડી વોર્ન કેમેરા પોલીસકર્મીઓ બોડી પર લગાવશે, જેનું લાઇવ રેકોર્ડિંગ કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે
આગામી 28 સપ્ટેમ્બરે ગણેશ વિસર્જન અને ઇદનો તહેવાર એક દિવસે હોવાથી વડોદરા શહેર પોલીસ માટે મોટો પકડાર રહેશે. વડોદરા શહેરમાં 8થી 10 હજાર જેટલી વિસર્જન યાત્રાઓ અને 45 જેટલા જુલુસ નિકળશે. જેથી આખા વડોદરા શહેરમાં પોલીસની ટીમો તૈનાત રહેશે. 28 સપ્ટેમ્બરે ગણપતિ વિસર્જનના દિવસે SRP, RAF અને CRPF 8 કંપનીઓ સહિત 7 હજાર જવાનો તૈનાત રહેશે, અફવા ફેલવનાર સામે સાયબર ક્રાઇમ કાર્યવાહી કરશે.
વડોદરા શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે જણાવ્યું હતું કે, 28 સપ્ટેમ્બરના રોજ વડોદરા શહેરમાં શ્રીજીનું વિસર્જન થશે અને તે જ દિવસે ઇદનો તહેવાર પણ છે. તે દિવસે 45 જેટલા જુલુસ નિકળે છે. જાેકે મુસ્લિમ આગેવાનો સાથે મીટીંગ કરતાં તેઓ વિવિધ વિસ્તારોમાંથી કાઢવામાં આવતા 45 જેટલા તાજીયાના જુલુસ તા.29મીએ કાઢવા તૈયાર થયા છે. બીજી તરફ શહેરમાં 1800 જેટલા મોટા ગણપતિજીની નોંધણી થયેલી છે. આ ઉપરાંત લોકો 8 હજાર ઘરોમાં ગણપતિની સ્થાપના કરી છે. બધા મળીને કુલ 10 હજાર જેટલી ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થવાનું છે. કેટલાક ગણપતિના વસર્જન ત્રીજા, પાંચમાં દિવસે થયા છે અને આજે સાતમા જુનીગઢી સહિતના વિસર્જન આજે થવાના છે અને 10માં દિવસે મોડી રાત સુધી કૃત્રિમ તળાવોમાં ગણપતિનું વિસર્જન થશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, વડોદરા શહેર પોલીસ દ્વારા છેલ્લા એક મહિનાથી ફૂટ પેટ્રોલિંગ અને કોમી માનસ ધરાવતા પ્રિવેન્ટીવ એક્શન લેવામાં આવ્યા છે અને અગાઉ કોમી બનાવોમાં સંડોવાયલ હિસ્ટ્રીશીટરો સામે એક્શન લેવામાં આવ્યા છે. આ ઉપરાંત શાંતિ સમિતિઓની બેઠકો યોજવામાં આવી હતી. 28 સપ્ટેમ્બરે શાંતિપૂર્ણ માહોલમાં શ્રીજી વિસર્જનની પ્રક્રિયા પૂર્ણ થાય તે માટે વડોદરા શહેર પોલીસ અને બહારથી આવેલ પોલીસ તૈનાત કરવામાં આવશે.
તેઓએ ઉમેર્યુ હતું કે, ગણપતિ અને ઈદના બંદોબસ્તની સાથે સાથે તા. 27મીએ વડાપ્રધાનનો કાર્યક્રમ પણ આવતો હોવાથી ત્રણ દિવસ માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો બંદોબસ્ત રહેશે. જેમાં એક પોલીસ કમિશનર, એક એડિશનલ પોલીસ કમિશનર, 10 ડીસીપી, 25 એસીપી, 85 પીઆઇ, 160 પીએસઆઇ વિવિધ વિસ્તારોમાં હાજર રહેશે. 2900 જેટલા પોલીસ જવાન, 2700 હોમગાર્ડના જવાન, 600 ટીઆરબી ઉપરાંત શી ટીમ, બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ સહિત કુલ 6200 જેટલા જવાનો તૈનાત રહેશે. આ ઉપરાંત 6 કંપની એસઆરપીની તૈનાત રહેશે, જેમાં કુલ 450 જવાનો હશે. રેપિડ એક્શન ફોર્સની એક કંપની આવી છે, જેમાં 120 જવાનો છે. સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની એક કંપની પણ તૈનાત રહેશે. આમ કુલ 8 જેટલી કંપનીઓ આર્મ પોલીસની રહેશે. જે અલગ-અલગ વિસ્તારમાં સ્થાનિક પોલીસની મદદમાં તૈનાત રહેશે. સૌરાષ્ટના જિલ્લાઓમાં જ્યાં વિસર્જનનો ઓછો બંદોબસ્ત હોય ત્યાંથી પણ પોલીસની ટીમો આવી છે.
પોલીસ કમિશનરે કહ્યું હતું કે, ક્રાઇમ બ્રાંચ, પીસીબી અને એસઓજીની ટીમો સાદા ડ્રેસમાં સંવેદનશીલ વિસ્તારોમાં લોકોની હિલચાલ પર નજર રાખશે. અમે ચાર દરવાજા સહિતના સંવેદનશીલ વિસ્તારોના 67 જેટલા રૂટ ઉપર ત્યાં ધાબા પોઇન્ટ ગોઠવવામાં આવ્યા છે. આ ઉપરાંત 24 ધાબા પોઇન્ટ ઊંચાઇ પર ગોઠવવામાં આવ્યા છે, જ્યાં પોલીસ વોકીટોકી સાથે સંવેદનશીલ વિસ્તારોની હિલચાલ પર નજર રાખશે અને મેઇન રૂટના બંદોબસ્ત સાથે સંકલનમાં રહેશે. 3 ક્વિક રિસ્પોન્સ ટીમ પણ છે. આ ઉપરાંત RAF અને CRPFની ચાર દરવાજા વિસ્તારમાં તૈનાત રહેશે.
તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 607 જેટલા બોડી વોર્ન કેમેરા પોલીસકર્મીઓ પોતાના બોડી પર લગાવશે. જે લોકો પર નજર રાખશે અને તેના લાઇવ રેકોર્ડિંગ કંટ્રોલ રૂમમાં જોઈ શકાશે. 50 જેટલા વીડિયોગ્રાફર પણ ગણપતિની યાત્રાના રૂટ પણ હાજર રહેશે. મેન્ટર પોલીસની વ્યવસ્થા કરવામાં આવી છે, જે ગણેશ મંડળો સાથે સંકલનમાં રહેશે, જેથી શાંતિપૂર્ણ માહોલમાં ગણપતિની યાત્રા પૂર્ણ કરી શકાય.
તેઓએ ઉમેર્યુ હતું કે, ગણપતિ વિસર્જન દરમિયાન કોઇ વ્યક્તિ અફવા ફેલાવશે તો તેના ઉપર સાયબર ક્રાઇમની ટીમ વોચ રાખી રહી છે. કોઇ પણ પ્રકારના અફવાના મેસેજ આવે તો તેને ફોરર્વડ કરવાની જરૂર નથી. તમને આવી અફવા ધ્યાનમાં આવે તો 100 નંબર ઉપર કે, નજીકના પોલીસ સ્ટેશનનાં જાણ કરવી. કોઇ પ્રોબ્લમ થાય તો પોલીસને જાણ કરવી. તમારે કોઈ રકઝક કરવી નહીં. બહેનો સાથે છેડતીનો બનાવ ન બને તે માટે SHE ટીમ તૈનાત રહેશે.
તેઓએ કહ્યું હતું કે, જ્યારે ગણેશ વિસર્જન દરમિયાન ડીજે નિકળે છે, ત્યારે ખૂબ જ અવાજના કારણે લોકોના હાર્ટ ડેમેડ થઈ જાય, કોઇના બાયપાસ થયા હોય તો તેને ડેમેજ થવાની શક્યતા છે. જેથી ડીજેવાળાઓએ હોસ્પિટલ આવે ત્યારે વોલ્યુમ ઓછું કરવા માટે સહમત થયા છે. આ ઉપરાંત આયોજકોનો ખૂબ સહકાર મળી રહ્યો છે.