કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2023 પહેલા રાજકારણ ચરમસીમા પર જોવા મળી રહ્યું છે. તમામ રાજકીય પક્ષો વચ્ચે આક્ષેપ-પ્રતિઆક્ષેપનો દોર ચાલી રહ્યો છે. ત્યારે હવે કોંગ્રેસે પણ ભાજપ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના પરિવારને મારવાનું ષડયંત્ર ચાલી રહ્યું હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે ભાજપના નેતાઓ પર આ ષડયંત્રનો આરોપ લગાવ્યો છે. જેની એક ઓડિયો ક્લીપ પણ વાયરલ થઈ છે. જે સાંભળ્યા બાદ આ ઘટનાના ઠેર-ઠેર ઘેરા પ્રત્યાઘાત જોવા મળી રહ્યા છે. જેને લઈ આજે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાનાર છે. જેને લઈ તમામ પાર્ટીઓ પ્રચાર પસાર કરી રહ્યા છે. ત્યારે ભાજપમાં ચીતપુર વિધાનસભાની ઉમેદવાર મણીકાંત રાઠોડ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન અને તેમના પરિવારને મારી નાખવાની ધમકી આપી છે. જેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. જેને લઈ આજે વડોદરા શહેરના કોંગ્રેસના મહિલા કાર્યકારી પ્રમુખ પુષ્પાબેન વાઘેલા દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહી રાવપુરા પોલીસ ચોકી ખાતે હાજર રહી ફરિયાદ નોંધાવી છે.
આ મામલે કોંગ્રેસના મહિલા કાર્યકારી પ્રમુખ પુષ્પાબેન વાઘેલા મીડિયા સાથે વાત કરતા જણાવે છે કે, આવતીકાલે કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. કોઈપણ ચૂંટણી હોવાથી લોકશાહી દેશમાં દરેકને પ્રચાર કરવાનો અધિકારી છે. પરંતુ આ પ્રચારની અંદર ભારતીય જનતા પાર્ટી જે પોતાને શિસ્તની પાર્ટી માનતી હોય તેમના ઉમેદવાર ચીતપુર વિધાનસભાના મણીકાંત રાઠોડ. જેમની પર 40થી વધારે ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તે ઉમેદવાર થકી અમારા કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને તેમના પરિજનોને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. તેમના શબ્દોમાં જે વિશેષ ટિપ્પણી કરી છે. તેના ઘેરા પ્રત્યાઘાત આખા દેશમાં પડ્યા છે. અમારો બેથી અઢી લાખનો દલીત સમુદાય જે વડોદરામાં રહે છે. તે આ શબ્દોથી દુખી છે. અને તમામના દ્વારા આ બાબતે ફરિયાદ નોંધાવવાનું કહેવામાં આવતા આજે રાવપુરા પોલીસ સ્ટેશન ખાતે મણીકાંત વિરુદ્વ દ્વારા ફરિયાદ નોંધાવવા આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, મલ્લિકાર્જુન ખડગેના પુત્ર પ્રિયંક ખડગેને જાનથી મારી નાખવાની ધમકી આપવાના આરોપમાં મણિકાંત રાઠોડની ધરપકડ કરવામાં આવી હતી. જોકે બાદમાં તેને જામીન પર છોડવામાં આવ્યો હતો. તે સમયે એક મીડિયા કોન્ફરન્સમાં તેણે પ્રિયંક ખડગેને શૂટ કરવાની ઈચ્છા ખુલ્લેઆમ વ્યક્ત કરી હતી. જે બાદ વધુ એક વખત મણીકાંત રાઠોડ દ્વારા મલ્લિકાર્જુન ખડગે તેમજ તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપતા આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.