- ટ્રાફિક, સાયબર ફ્રોડ અને મહિલાઓના કેસો પર વધુ ધ્યાન અપાશે
તાજેતરમાં રાજ્યના 70 આઇપીએસ અધિકારીઓની બદલીઓનો ગંજીપો ચિપાયો હતો. જેમાં વડોદરા શહેરના પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગેહલોતની નિમણૂક થતા આજરોજ તેમણે ચાર્જ સંભાળ્યો છે. આજે પોલીસ ભવન ખાતે તેઓ આવી પહોંચ્યા હતા ત્યારે તેઓનું પોલીસ સન્માન સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું.
રાજ્ય સરકાર દ્વારા તેઓની નિમણૂંક વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકે કરાતા તેઓ વડોદરા આવ્યા છે. આ પ્રસંગે અનુપમસિંહ ગહેલોતે કહ્યું હતું કે, ત્રણ વર્ષ બાદ ફરી મારી નિમણૂક થઈ છે. વડોદરાની જનતા કાયદાના પાલન હેતુ પોલીસના પ્રયાસોમાં ખરી રહી છે. જનતાનો આ પ્રકારનો સહકાર સતત મળતો રહે તેવી આશા છે. કાયદાની સ્થિતિ સારી રાખવાનો પોલીસ સામે પડકાર છે. હાલ તમામ શહેરોમાં મુખ્ય સમસ્યા ટ્રાફિક, સાઇબર ફ્રોડ અને મહિલાઓની સુરક્ષાને પ્રાધાન્ય આપવામાં આવશે. વડોદરાને સુરક્ષિત રાખવામાં મારા નેતૃત્વમાં પોલીસ પ્રશાસન તમામ પ્રયાસ કરશે તેવી ખાતરી છે. પોલીસ મથકથી જ સમસ્યાનું નિરાકરણ આવે અને પ્રજાને પોલીસ ભવનના ધક્કા ખાવાનો વખત ન આવે તેવા પ્રયાસો રહેશે. આ ઉપરાંત અકસ્માતોની ઘટનાઓ ચિંતાજનક બની છે ત્યારે કડક પગલાં હાથ ભરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા પોલીસ કમિશનર તરીકે અનુપમસિંહ ગહેલોતે ફરજ બજાવ્યા બાદ રાજ્યના સીઆઇડીના વડા સાથે રાજ્યના એસીબીના વડા તરીકેનો વધારાનો ચાર્જ સોપાયો હતો. દરમ્યાન 27 જૂલાઈના રોજ રાજ્યમાં 70 આઈપીએસ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી હતી. આ બદલીઓમાં અનુપમસિંહ ગહેલોત વડોદરાના પોલીસ કમિશનર તરીકે નિમાયા હતા. દરમિયાન આજરોજ તેમણે વિધિવત વડોદરા શહેર પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો છે.