- દુકાનના બુકીંગ સામે રૂપિયા 16 લાખ ઉપરાંતની રકમ ચૂકવ્યા છતાં, પાંચ વર્ષે પણ દુકાનનો કબજો આપવામાં આવ્યો ન હતો
શહેરના બિલ્ડર દંપતિએ ન્યુ વીઆઈપી રોડ ખાતે આવેલ ખોડીયાર નગર ચાર રસ્તા પાસે ક્રિસ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબ નામની સાઈટ શરૂ કરી દુકાનો અને ઓફિસો માટે સ્કીમ મૂકી બિલ્ડર દંપતિએ 13 ગ્રાહકો પાસેથી દુકાનોના વેચાણ પેટે રૂ. બે કરોડથી વધુ પડાવી લઇ બાંધકામ રોકી છેતરપિંડી આચરી હતી ત્યારે ઠગ બિલ્ડર દંપતીની છેતરપિંડીનો ભોગ બનેલા વધુ એક ગ્રાહકે બિલ્ડર દંપતી વિરુદ્ધ રૂપિયા 16 લાખની છેતરપિંડીની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાઇ છે. છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકને દુકાનનો કબજો મળ્યા વગર જ રૂપિયા 9.60 લાખની લોનના હપ્તાનો ભરવાનો વખત આવ્યો છે.
બાપોદ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ વિગત એવી છે કે, શહેરના વાઘોડિયા રોડ ઉપર સી-45 શ્રી પ્રમુખ સ્વામી ટાઉનશિપમાં સીમાબહેન મનિષભાઇ પાટણકર પરિવાર સાથે રહે છે. તેમના પતિ વાઘોડિયા જી.આઇ.ડી.સી.માં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેઓએ કેયા બિલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદાર દંપતિ મનિષ પટેલ અને રૂપલ પટેલ દ્વારા ન્યુ વી.આઇ.પી. રોડ ઉપર ક્રિષ્ટલ પ્રમુખ કોમર્શિયલ હબમાં રૂપિયા 20,50,000માં દુકાન નંબર-44 બુક કરાવી હતી.
સીમાબહેન પાટણકરે દુકાન બુકીંગ પેટે રૂપિયા 16,10,000 રોકડેથી અને ચેકથી આપ્યા હતા. જે પૈકી રૂપિયા 9,60,000 આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાંથી લોન લઇને ચૂકવ્યા હતા. દુકાનના બુકીંગ સામે રૂપિયા 16 લાખ ઉપરાંતની રકમ ચૂકવ્યા છતાં, બુકીંગ કરાવે પાંચ વર્ષ જેટલો સમય થઇ ગયો. છતાં દુકાનનો કબજો આપવામાં આવ્યો ન હતો. ગ્રાહક સીમાબહેનને આઇ.સી.આઇ.સી.આઇ. બેંકમાંથી લોનના હપ્તાની રકમ ભરવાનો વખત આવ્યો છે.
સીમાબહેન પાટણકરે કેયા બિલ્ટેક એલએલપી નામની પેઢીના ભાગીદાર દંપતિ મનિષ પટેલ અને રૂપલ પટેલ સામે રૂપિયા 16 લાખની છેતરપિંડીની ફરિયાદ બાપોદ પોલીસ મથકમાં નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનિય છે કે, છેતરપિંડીના ગુનામાં ધરપકડ કરાયેલા ઠગ મનિષ પટેલ સામે અત્યાર સુધીમાં 9 ફરિયાદો દાખલ થઇ છે. જેમાં એક વધુ 10મી ફરિયાદ દાખલ થઇ છે. પોલીસે આરોપી મનિષ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. હજુ તેની પત્નીની ધરપકડ કરાઇ નથી.