વડોદરામાં ફ્લેટના બુકિગના બહાને ગ્રાહક સાથે રૂા.4.80 લાખની છેતરપિંડી કરનાર બિલ્ડર સામે વધુ એક ફરિયાદ

રેરાની પરમિશન લીધા વિના બિલ્ડર અપૂર્વ પટેલે ફ્લેટનું બુકિંગ લીધું હતું

MailVadodara.com - Another-complaint-against-builder-who-defrauded-customer-of-Rs-4-80-lakh-on-the-pretext-of-booking-a-flat-in-Vadodara

વડોદરાના ઠગ બિલ્ડર સામે વધુ એક ફરિયાદ નોંધાઈ છે, શહેરના માંજલપુર વિસ્તારમાં રેરાની પરમિશન લીધા વિના મકાનનું બુકિંગ લીધા બાદ ગ્રાહક સાથે 4.80 લાખની છેતરપિંડી કરનાર બિલ્ડર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

વડોદરાના માંજલપુર વિસ્તારમાં જીઆઇડીસી રોડ પર આવેલા હરિધામ ફ્લેટમાં રહેતા અને ભુજ ખાતે ટ્રસ્ટમાં સુપરવાઝર તરીકે નોકરી કરતા દુષ્યંત ગજાનંદ પટેલ (ઉ.વ.45)એ માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા ભાઇ અમારા મકાનની પાછળ આવેલ મેપલ સિગ્નેચર સાઇટમાં 30 લાખ રૂપિયામાં ફ્લેટ બુક કરાવ્યો હતો અને બુકિંગ પેટે અપૂર્વ દિનેશ પટેલ (રહે. સમૃદ્ધિ બંગ્લોઝ, વિશ્વામિત્રી ટાઉનશિપ સામે, વડોદરા)ને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને તે મળ્યાની નોંધ ફોર્મમાં કરી આપી હતી અને મેપલ સિગ્નેચર શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સનું બુકિંગ ફોર્મ આપ્યું હતું અને ફ્લેટ નં-જી-501નું બુકિંગ કર્યું હતું.


ત્યારબાદ 3 ડિસેમ્બર-2018ના રોજ હું, મારો ભાઇ સંજય પટેલ અને મારા બનેવી વિનયકુમાર ઉપાધ્યાય અપૂર્વ પટેલની ઓફિસે ગયા હતા અને 5 લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો. આમ કુલ 6 લાખ રૂપિયા શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સના ખાતામાં જમા કર્યાં હતા. જોકે, 5 લાખ રૂપિયાની નોંધ અપૂર્વ પટેલે કરી આપી નહોતી. સાઇટની જગ્યા પર કોઇ બાંધકામ કર્યું ન હોવાથી મેં અપૂર્વ પટેલને પૂછ્યું હતું કે, બાંધકામ ક્યારે શરૂ કરવાના છો. ત્યારે અપૂર્વ પટેલે જણાવ્યું હતું કે, બાંધકામની પરવાનગી મળી ગયા બાદ થોડા સમયમાં કામ શરૂ થઇ જશે.

આશરે એક વર્ષ જેટલો સમય વિતી જવા છતાં કોઇ બાંધકામ શરૂ કર્યું ન હોવાથી હું અને મારો ભાઇ સંજય અપૂર્વ પટેલને મળ્યા હતા. જેથી અપૂર્વ પટેલે કહ્યું હતું કે, સરકારી પરવાનગીઓ મળી નથી. જેથી હાલ બાંધકામ થઇ શકે તેમ નથી. જેથી મેં અપૂર્વ પટેલ પાસેથી ફ્લેટના નાણાં પરત માંગ્યા હતા. જેથી અપૂર્વ પટેલે 100 રૂપિયાના સ્ટેમ્પ પર મારા નામે બુક કરેલ ફ્લેટને જી-501નો કેન્સલ કરવા બદલનો લેખ તૈયાર કરી લાવી તેમાં મારી સહીઓ કરાવી લીધી હતી અને જુદી-જુદી તારીખના 5 ચેક લખી આપ્યા હતા. જેમાંથી 1.20 લાખનો એક ચેક પાસ થયો હતો, જ્યારે 4.80 લાખના 4 ચેક રિટર્ન થયા હતા. ફરિયાદી દુષ્યંતભાઇ પટેલે બિલ્ડર અપૂર્વ પટેલ સામે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 4.80 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જેથી માંજલપુર પોલીસે આ મામલે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

ઉલ્લેખનીય છે કે, એક વર્ષ અગાઉ સિદ્ધિ વિનાયક ડેવલપર્સના માલિક અપૂર્વ દિનેશભાઇ પટેલ અને તેની પત્ની દ્વારા ફ્લેટના નામે મોટી સંખ્યામાં લોકો સાથે છેતરપિંડીની ફરિયાદો થઈ હતી અને 150 જેટલા લોકો સામે છેતરપિંડી થઈ હોવાનું બહાર આવ્યું હતું. જેથી આ કેસોની તપાસ માટે વડોદરાના પોલીસ કમિશનર શમશેરસિંગ દ્વારા સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી.

Share :

Leave a Comments