- આગામી દિવસોમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ, ગેંડો જેવા પ્રાણીઓને જરૂરીયાત મુજબ કુલર ગોઠવીને તેમજ બરફની લાદીઓ મૂકીને રાહત આપવાનું આયોજન
માવઠાની આગાહી વચ્ચે ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે, જેને પગલે દિન-પ્રતિદિન ગરમીમાં વધારો થઇ રહ્યો છે. વડોદરામાં છેલ્લા બે દિવસથી ગરમીમાં નોંધપાત્ર વધારો થતાં સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. લોકોને દિવસ પસાર કરવો મુશ્કેલ થઇ ગયો છે. તો બીજી બાજુ કમાટીબાગમાં પશુ-પક્ષીઓ પણ આકૂળ-વ્યાકૂળ થઇ ગયા છે. કમાટીબાગના કર્મચારીઓ દ્વારા અસહ્ય ગરમીથી પશુ-પક્ષીઓને રક્ષણ આપવા માટે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે.
છેલ્લા બે દિવસથી ગરમીમાં વધારો થતાં વડોદરાના કમાટીબાગમાં પશુ-પક્ષીઓની હાલત દયનીય બની ગઇ છે. કમાટીબાગના તંત્ર દ્વારા પશુ-પક્ષીઓને ગરમીમાં કેવી રીતે રાહત આપી શકાય તે માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે. હાલ પશુ-પક્ષીઓના પીંજરામાં સવારે બે ટાઇમ અને બપોરે બે ટાઇમ પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત પશુ-પક્ષીઓના પીંજરામાં ગ્રીન નેટ તથા ઘાસના પૂળાં નાંખી છાપરા પણ તૈયાર કરવામાં આવ્યા છે, સાથે જ પશુ-પક્ષીઓને ગરમીમાં ઠંડક મળી રહે તેવા ખોરાક આપવામાં આવી રહ્યાં છે. સાથે જ પ્રાણીઓના ડોક્ટર્સ દ્વારા પણ તકેદારી રાખવામાં આવી રહી છે. આ ઉપરાંત આવનારા દિવસોમાં વાઘ, સિંહ, દીપડા, રીંછ, ગેંડો જેવા પ્રાણીઓને જરૂરીયાત મુજબ કુલર ગોઠવીને તેમજ બરફની લાદીઓ મૂકીને રાહત આપવાનું આયોજન કરવામાં આવ્યું છે. જો વધુ ગરમી પડે તો તેના માટે પણ તંત્ર દ્વારા તૈયારીઓ કરી લેવામાં આવી છે. જેમાં પાણીના ફૂવારા પશુ-પક્ષીઓના પિંજરા પાસે લગાડાશે સાથે જ ઘાસ પૂળાંની સાથે પ્રાણીઓને ઠંડક મળે તે રીતેની વ્યવસ્થા કરવામાં આવી છે, તેમ પાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ જણાવ્યું હતું.
હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા પ્રમાણે, આગામી દિવસોમાં ગરમી રૌદ્ર સ્વરૂપ ધારણ કરનાર છે. જોકે, છેલ્લા બે દિવસથી પડી રહેલી અસહ્ય ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. શહેરના ઇલેકટ્રોનિક્સ બજારોમાં એ.સી., કુલર, પંખા જેવા વાતાનુકુલીત સાધનોની માંગમાં વધારો થઇ ગયો છે. અસહ્ય ગરમીમાં વાતાનુકુલીત સાધનો વગર દિવસ પસાર કરવો લોકો માટે મુશ્કેલ બન્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઉનાળાની શરૂઆતથી ગરમીનો પારો 40 ડિગ્રીની લગોલગ પહોંચી રહ્યો છે. વડોદરામાં આજે પણ 38 ડિગ્રી ગરમી નોંધાઇ હતી. સવારથીજ શરૂ થયેલી ગરમી બપોરે આકરી બની હતી. સામાન્ય દિવસોમાં ચોવિસ કલાક વાહનોથી ધમધમતા માર્ગો અને ચોવિસ કલાક ભીડ રહેતી તેવા બજારો બપોરના સમયે સુમસામ જોવા મળ્યા હતા. બપોરના સમયે લોકોએ પણ બિન જરૂરી બહાર નીકળવાનું ટાળ્યું હતું.