- ગંગાબેનને બચાવવાના લોકોએ પ્રયાસો કર્યા પણ નિષ્ફળ રહ્યા
- પાલિકાના કહેવાતા સ્માર્ટ અધિકારીઓ પાસે રખડતાં ઢોર પર નિયંત્રણ લાવવા ની ક્ષમતા નથી ?
વડોદરાના માણેજા વિસ્તારમાં રખડતી ગાયોએ એક વૃદ્ધા પર હુમલો કરતા વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. ઘટનાના સામે આવેલા વીડિયોમાં સ્પષ્ટપણે નજરે આવી રહ્યું છે કે, એક વૃદ્ધ મહિલા રસ્તા પર પડી ગયેલા છે અને ગાયો તેના પર પગથી ખૂંદી રહી છે. આ સાથે મો દ્વારા પણ મહિલાને ઈજાઓ પહોંચાડી રહી છે. સ્થાનિકો દ્વારા ભારે જહેમતે ગાયોને દૂર કરી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધા ગંગાબેન પરમાર મોતને ભેટ્યા હતા. તંત્રની બેદરકારીએ આખરે મહિલાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
વડોદરામાં રખડતા ઢોરની સમસ્યા એટલી વકરી રહી છે કે હવે સામાન્ય બની ગઇ છે. તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તો પશુપાલકો હુમલો કરવાની છોડાવી જાય છે. આ બધામાં નિર્દોષ પ્રજાને ભોગ બનવાનો વારો આવે છે. ત્યારે આજે શહેરના માણેજા વિસ્તારમાં આવેલી પંચરત્ન સોસાયટીમાં રહેતા આશરે 60 વર્ષીય ગંગાબેન પરમાર કામકાજ કરીને આવી રહ્યા હતા, ત્યારે અચાનક ગાયે હુમલો કર્યો હતો. જેને લઇને સ્થાનિકોના ટોળા ઉમટી પડ્યા હતા.
વૃદ્ધા પર હુમલા દરમિયાન સ્થાનિક લોકો દ્વારા ગાયોને દૂર કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. પથ્થરો મારી ગાયોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાયો પણ વૃદ્ધાનું મોત ન થયું ત્યાં સુધી ત્યાંથી હટી ન હતી. જાહેરમાં રોડ પર વૃદ્ધાની ગાયો દ્વારા હુમલામાં મોતને લઈને ભારે ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે પોલીસ માણેજા વિસ્તારમાં પહોંચી ગઈ હતી.
નજરે જોનાર મહિલા સંતોષબેને જણાવ્યું હતું કે, અંદાજે દોઢ વાગ્યા આસપાસ મહિલા બચાવો બચાવોની બૂમો પાડી રહી હતી. હું, મારા પતિ બધા બહાર આવી ગયા હતા. ગાય મહિલાને પગથી ખૂંદી રહી હતી. ગાય બચકાં પણ ભરી રહી હતી. આ જોઈને હું પણ હેબતાઈ ગઈ હતી. ત્રણથી ચાર યુવાનો દ્વારા પથ્થરો મારી ગાયોને દૂર કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, ગાયોએ તેના પર પણ હુમલો કરી દીધો હતો. વધુમાં જણાવ્યું હતું કે, એક યુવાન બાઈક લઈને આવ્યો અને ત્યા વૃદ્ધા નજીક મૂકી દીધી હતી. જોકે, તે પહેલાં જ વૃદ્ધાનું મોત નીપજ્યું હતું.
સ્થાનિક મહિલાઓએ કહ્યું હતું કે, અમે અમારા બાળકોને લઇને આ રસ્તા પરથી પસાર થઇએ ત્યારે રખડતી ગાયો જોવા મળે છે, અને ડર લાગે છે. આજે આ મહિલાનો ભોગ લેવાયો છે કાલે અમારો વારો આવશે. અહીં ગાયોનો ત્રાસ ઘણા સમયથી છે. મોડી રાત્રે આવીએ ત્યારે પણ ગાયો રખડતી હોય છે. આ પહેલા પણ એક માણસ પર ગાયે હુમલો કર્યો હતો.
મૃતક મહિલાની દિકરીએ કહ્યું હતું કે, આજે મારી માને ખોવાનો વારો આવ્યો છે. મને ન્યાય જોઇએ. અહીં પશુપાલકો સામે બેઠા હોય છે તો પણ તેની ગાયોને લઇ જતા નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે આ ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. જે જોઇને રૂંવાટા ઉભા થઇ જશે. જો કે ઘટના બાદ પાલિકા તંત્ર જાગ્યું અને ઢોર ડબ્બા લઇને પહોંચ્યું છે. વિસ્તારમાંથી ઢોર પકડવાની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.