- અધિકારીએ કોન્સ્ટેબલને કહ્યું, “ અડધી ચ્હા માં વેચાઈ જાવ છો ? “
- કોન્સ્ટેબલે કહ્યું, "સાહેબ, નાઈટમાં નોકરી કરતી પોલીસ અહીં ચ્હા પીવા આવે છે અને લારી વાળો પોલીસની સેવા કરે છે'..!
વડોદરા શહેરના સંવેદનશીલ પોલીસ મથકના એક ફોજદાર અને અન્ય પોલીસ મથકના એક કોન્સ્ટેબલ વચ્ચે લારી બંધ કરાવવાની બાબતે ઝઘડો થયો હતો. મોડી રાત્રે રોડ પર અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલો તમાશો લોકો માં ચર્ચાનું કેન્દ્ર બન્યો હતો.
વડોદરા શહેરમાં મોડી રાત સુધી ચાલતી લારીઓ માટે કોઈ ચોક્કસ નીતિ નિયમો નથી. લારીઓ બંધ કરાવવામાં પોલીસ પર બેધારી નીતિના આક્ષેપો છાશવારે થાય છે. જો કે શહેરના છ સંવેદનશીલ પોલીસ મથકો પૈકીના એક પોલીસ મથક વિસ્તારમાં ચ્હાની લારી બંધ કરાવવાના મુદ્દે એક પોલીસ અધિકારી અને એક કોન્સ્ટેબલ જાહેરમાં સામસામે આવી ગયા હતા. શહેરના સૌથી જુના એક રાજમાર્ગ પર મધરાત્રી સુધી ચ્હાની લારી વર્ષોથી ચાલે છે.
- જાહેર માર્ગ પર પોલીસનો તમાશો જોઈ લોકો સ્તબ્ધ થઈ ગયા..!!!
રાત્રી દરમ્યાન ફરજ બજાવતા વિવિધ પોલીસ મથકના કર્મચારીઓ પણ મધરાતે ચ્હા પીવા આવે છે. આ દરમ્યાન સંવેદનશીલ પોલીસ મથકના એક પોલીસ અધિકારી નાઈટ શિફ્ટમાં પેટ્રોલીંગમાં હતા ત્યારે લારી ચાલુ જોતા જીપ ઉભી રાખી હતી. તેમણે લારી બંધ કરવાનું કહેતા ત્યાં ઉભેલા એક કોન્સ્ટેબલે અધિકારીને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. કોન્સ્ટેબલે કહ્યું હતું કે, “ સાહેબ, અહીં નાઈટશિફ્ટ માં નોકરી કરતા બધા પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ ચ્હા પીવા આવે છે, અને આ લારીવાળો પોલીસની સેવા કરે છે. “ કોન્સ્ટેબલ દખલ કરતા અધિકારી તાડુક્યા હતા. તેમણે કોન્સ્ટેબલને સંભળાવ્યું હતું કે, “ અડધી ચ્હા માં વેચાઈ જાવ છો ? “ અધિકારીની પ્રતિક્રિયાનો કોન્સ્ટેબલે વળતો જવાબ આપ્યો હતો.
કોન્સ્ટેબલે કહ્યું હતું કે, “લારી તમારા પોલીસ મથકની હદમાં નથી, તમે બંધ કેવી રીતે કરાવી શકો ?” કોન્સ્ટેબલે અધિકારીને હદનું જ્ઞાન આપતા વાત વણસી હતી. બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે જાહેર માર્ગ પર ઝઘડો થતા ત્યાં હાજર લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. પોલીસે જ બંને તરફથી માંડ માંડ મામલો થાળે પાડ્યો હતો. મોડી રાત્રે પોલીસ અધિકારી અને કોન્સ્ટેબલ વચ્ચે થયેલા તમાશાની ચર્ચા સમગ્ર વિસ્તારમાં અને નજીકના પોલીસ મથકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.