શિનોરના દિવેર ગામે સામાન્ય ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ ધારિયાના બે ઘા મારી પત્નીને મોતને ઘાટ ઉતારી

દિવેર ગામે રહેતા જસ્મિન પાટણવાડિયા અને સીમાના છ વર્ષ પહેલાં લવ-મેરેજ થયા હતા

MailVadodara.com - An-enraged-husband-stabbed-Dharia-twice-killing-his-wife-in-a-simple-quarrel-at-Diwer-village-in-Shinor

- રોષે ભરાયેલા પતિ જસ્મિને ક્ષણિક વિચાર કર્યા વગર પાણી ભરતી પત્ની સીમાના માથામાં ઉપરાછાપરી ધારિયાના બે ઘા મારી સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું

- જસ્મિને ધારિયાથી હુમલો કરી પોતાના પુત્રને પણ મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ હાજર દાદીએ હેનિલને દૂર કરી દેતાં તેનો આબાદ બચાવ થયો


વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના દિવેર ગામમાં સાળા અને પત્ની સાથે થયેલા સામાન્ય ઝઘડામાં રોષે ભરાયેલા પતિએ પત્નીના માથામાં ધારિયાના બે ઘા મારીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. આક્રોશની સીમા ઓળંગી ગયેલા હત્યારા પતિએ પુત્ર ઉપર પણ જીવલેણ હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ઘરમાં હાજર તેની દાદીએ તેને બચાવી લીધો હતો. જોકે એમાં દાદીને સામાન્ય ઈજા પહોંચી હતી. આ ચકચારી બનાવ અંગે શિનોર પોલીસે હત્યારા સામે ગુનો નોંધી ધરપકડ કરી લીધી છે. દંપતીના છ વર્ષ પહેલાં લવ-મેરેજ થયા હતા.

મળેલી માહિતી પ્રમાણે, શિનોર તાલુકાના દિવેર ગામના ટેકરાવાળા ફળિયામાં જસ્મિન શંકરભાઈ પાટણવાડિયા પત્ની સીમાબેન, બે બાળક અને માતા ચંપાબેન સાથે રહી છૂટક મજૂરીકામ કરીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. સામાન્ય પરિવાર સુખમય દિવસો પસાર કરતો હતો, જોકે અવારનવાર પતિ-પત્ની વચ્ચે નાના-મોટા ઝઘડા થતા હતા, પરંતુ ઘટનાની પૂર્વ રાત્રે થયેલા ઝઘડામાં બે બાળકે માતાની છત્રછાયા ગુમાવવાનો વખત આવ્યો છે.


તારીખ 19 મેના રોજ જસ્મિન પોતાની પત્ની તેમજ બે બાળકો સાથે ભરૂચ જિલ્લાના વગુસના ગામમાં સાસરીમાં ગયો હતો, જ્યાં તેને પોતાના સાળા મિતેશ પાટણવાડિયા અને પત્ની સીમા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન જસ્મિને પોતાના સાળા સામે પત્નીને ધમકી આપી હતી કે તને હવે જીવતી રહેવા નહીં દઉં, તને મારી નાખીશ. જોકે જે-તે સમયે મામલો શાંત પડી ગયો હતો, પરંતુ જસ્મિનના મગજમાંથી રોષનો પારો ઊતર્યો નહોતો.

આ દરમિયાન જસ્મિન પત્ની અને બાળકો લઈને પરત પોતાના ગામ દિવેર આવી ગયો હતો. તારીખ 20 મેની સાંજે જસ્મિનની પત્ની સીમા વાડામાં પાણી ભરી રહી હતી, જ્યારે તેની માતા ચંપાબેન અને પૌત્ર હેનિલ શાકભાજી કાપી રહ્યાં હતાં. એ સમયે જસ્મિન ધારિયું લઈને વાડામાં આવ્યો હતો. જસ્મિનના હાથમાં ધારિયું જોઈ પત્ની સીમા અને તેનાં સાસુ ચંપાબેન ચોંકી ઊઠ્યાં હતાં, જ્યારે વાડામાં પોતાની દાદી સાથે બેઠેલા હેનિલ પિતાના હાથમાં ધારિયુ જોઈ ગભરાઈ ગયો હતો.


ઘારિયું લઈને વાડામાં પહોંચેલા જસ્મિનને જોઈને તેની માતા ચંપાબેન અને પત્ની સીમાબેને પૂછ્યું કે ધારિયું લઈને કેમ અત્યારે આવ્યો છે. ત્યારે જસ્મિને કહ્યું, ઝાડીઓ કાપવા માટે આવ્યો છું. ત્યારે પત્ની અને માતાએ કહ્યું કે અત્યારે સાંજના સમયે ઝાડી કાપવાનો શો મતલબ છે, એમ જણાવતાં જ જસ્મિન રોષે ભરાયો હતો અને ક્ષણિક વિચાર કર્યા વગર પાણી ભરી રહેલી પત્ની સીમાના માથામાં ઉપરાછાપરી ધારિયાના બે ઘા મારી દીધા હતા અને સ્થળ પર જ ઢીમ ઢાળી દીધું હતું.

પત્ની સીમાને મોતને ઘાટ ઉતાર્યા બાદ જસ્મિને સ્થળ ઉપર હાજર પુત્ર હેનિલ ઉપર પણ ધારિયાથી હુમલો કરી મોતને ઘાટ ઉતારવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ એ સમયે હાજર માતા ચંપાબેને હેનિલને દૂર કરી દેતાં તેનો આબાદ બચાવ થયો હતો, પરંતુ એમાં માતાને ધારિયાનો ઘા વાગી જતાં ઈજા પહોંચી હતી. મોડી સાંજે ખેલાયેલા ખૂની ખેલ બાદ જસ્મિન ફરાર થઈ ગયો હતો. દરમિયાન આસપાસના લોકો અને ફળિયાના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ભોગ બનેલી સીમાબેનને હોસ્પિટલ લઈ જવાય એવી કોઈ સ્થિતિ ન હોવાથી આ બનાવ અંગેની જાણ શિનોર પોલીસને કરતાં પીએસઆઇ આર.આર. મિશ્રા સ્ટાફ સાથે દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી હતી.

બનાવની જાણ સીમાબેનના ભાઈ મિતેશ પાટણવાડિયાને કરવામાં આવતાં તે તેમજ તેનાં પરિવારજનો દિવેર ગામે દોડી આવ્યાં હતાં. મિતેશ પાટણવાડિયાએ શિનોર પોલીસ મથકમાં બહેનની હત્યા કરનાર અને પુત્ર હેનિલ ઉપર હુમલાનો પ્રયાસ કરનાર બનેવી જસ્મિન શંકરભાઈ પાટણવાડિયા સામે ફરિયાદ નોંધાવી હતી. શિનોર પોલીસે ફરિયાદના આધારે જસ્મિન પાટણવાડિયા સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડ કરી લીધી છે.

Share :

Leave a Comments