- હોસ્પિટલમાં પરિવારજનોના આક્રંદને પગલે ગમગીની ફેલાઈ ગઈ
વડોદરા શહેરના મુજમહુડા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટી પાસે મેઇન્ટેનન્સની કામગીરી દરમિયાન MGVCLમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીનું વીજ કરંટ લાગતા મોત થયું હતું. જેને પગલે લોકોના ટોળા એકત્ર થઈ ગયા હતા. વીજ કરંટ લાગતા કર્મચારીને તુરંત જ BAPS હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ, ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. જેપી રોડ પોલીસે મૃતદેહને સયાજી હોસ્પિટલમાં મોકલી આપીને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના વિરોદ ગામમાં રહેતો અને સાવલી તાલુકાના ડુંગરપુર ગામનો રહેવાસી વિજય ડાહ્યાભાઇ ઠાકરડા (ઉ.33) MGVCLમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. આજે સવારે 7.45 વાગ્યે મેઇન્ટેનન્સની કામગીરી માટે ટીમ સાથે વિજય મુજમહુડા વિસ્તારમાં આવેલી સહજાનંદ સોસાયટી પાસે ગયો હતો. મેઇન્ટેનન્સની કામગીરી માટે વિજય વીજ પોલ પર ચડ્યો હતો અને વીજ પોલ પર કામગીરી શરૂ કરતા જ તેને વીજ કરંટ લાગ્યો હતો અને તે થાંભલા પર જ ચોંટી ગયો હતો.
આ ઘટનાની જાણ થતાં જ પીએસઆઇ આર. સી. શર્મા સહિતનો પોલીસ સ્ટાફ અને 108 એેમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને યુવાનને વીજ પોલ પરથી ઉતારીને BAPS હોસ્પિટલમાં લઈ જવાયો હતો. પરંતુ, ફરજ પરના ડોક્ટરોએ વિજયને મૃત જાહેર કર્યો હતો. પોલીસે વિજયના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
આ ઘટનાની જાણ થતાં જ મૃતકના પરિવારજનો હોસ્પિટલમાં દોડી ગયા હતા અને પરિવારજનોએ આક્રંદ કર્યું હતું. પરિવારજનોના આક્રંદને પગલે વાતાવરણમાં ગમગીની ફેલાઈ ગઈ હતી. મૃતક યુવાનના કાકા પ્રભાતભાઇ ઠાકરડાએ જણાવ્યું હતું કે, મારો ભત્રીજો 5થી 6 વર્ષથી વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટ પર નોકરી કરતો હતો. તે તેની પત્ની અને ત્રણ સંતાનો સાથે રહેતો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે વીજ પ્રવાહ બંધ કર્યાં પછી જ મેઇન્ટેનન્સની કામગીરી કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ ઇન્વર્ટર અને જનરેટરના કારણે વીજ પ્રવાહ બેક આવતો હોવાથી આવી ઘટના બની હોઈ શકે છે.