- સ્થાનિક અને બહારના પક્ષીઓ માટે આ આઇલેન્ડ રહેઠાણ તરીકે ઉપયોગી થઈ શકશે
વડોદરાની એક એનજીઓ દ્વારા પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી તળાવમાં પક્ષીઓ માટે બામ્બુમાંથી બનેલું ફ્લોટિંગ આઇલેન્ડ મુકવા માટેની દરખાસ્ત આજરોજ કોર્પોરેશનમાં સાંજે મળનાર સમગ્ર સભામાં અંતિમ મંજૂરી માટે રજૂ કરવામાં આવી છે. આ અગાઉ સ્ટેન્ડિંગ સમિતિએ આ દરખાસ્ત મંજૂર કરી હતી.
આ દરખાસ્તમાં જણાવ્યું છે કે વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલ વિવિધ તળાવોની સુંદરતા જળવાઇ રહે તેમજ તળાવો શહેરીજનો માટે પર્યટનનું સ્થળ બની રહે તે માટે તળાવોના નવીનીકરણની કામગીરી કરવામાં આવે છે. હાલમાં કુલ 27 તળાવોના નવીનીકરણની કામગીરી પુર્ણ કરેલ છે. જે પૈકી ગોત્રી વિસ્તારમાં આવેલ ગોત્રી તળાવમાં સ્થાનિક તેમજ સ્થળાંતરિત પક્ષીઓને આકર્ષવા અને પક્ષીઓના રહેઠાણ તરીકે ઉપયોગી થાય તે સંદર્ભે અને તળાવની સુંદરતામાં વધારો થાય તે હેતુથી વડોદરાની એન.જી.ઓ દ્વારા સ્વ ખર્ચે બામ્બુમાંથી તૈયાર કરેલ ફ્લોટિંગ આઇલેન્ડ તળાવમાં મુકવા ગયા મે મહિનામાં પત્ર લખીને માંગણી કરેલ છે. આ એન.જી.ઓ દ્વારા સંપૂર્ણ તેઓના ખર્ચે અને જોખમે ફ્લોટિંગ આઇલેંડ બનાવવાની કામગીરી કરવા તથા તેના મેન્ટેનન્સની તમામ કામગીરી કરવાની રહેશે. સ્ટેન્ડિંગ સમિતિએ મંજૂર કરેલી આ દરખાસ્ત હવે અંતિમ મંજૂરી માટે સમગ્ર સભામાં રજૂ થઈ છે.