- નંદેસરી બ્રિજ પર ઘાયલ દર્દીને લઇ જતી એમ્બ્યુલન્સનું ટાયર ફાટ્યું હતું
- ટાયર બદલાતા સુધી દર્દીને અજાણ્યા કાર ચાલકે એસી કારમાં આશરો આપ્યો
શહેરના નેશનલ હાઇવે નંબર 8 પર ઘાયલ દર્દીને લઇ જતી 108 એમ્બ્યુલન્સનું ટાયર ફાટ્યું હતું. તેવામાં એમ્બ્યુલન્સમાં બેઠેલા દર્દીને ગરમીને કારણે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેવામાં અજાણ્યા કાર ચાલકે દર્દીને એમ્બ્યુલન્સનું ટાયર બદલાતા સુધી પોતાની એસી કારમાં આશરો આપ્યો હતો. આમ, અજાણ્યા કાર ચાલકે દર્દીની મુશ્કેલી હળવી કરવાનો પ્રયાસ કર્યો હતો.
ગુજરાત રાજ્યમાં ચાલતી 108 ઇમર્જન્સી સેવાઓ લોકોને મુશ્કેલીના સમયે મદદ પહોંચાડી રહી છે. પણ ક્યારેક એવું પણ બને કે એમ્બ્યુલન્સ જાતે જ બીમાર પડી જાય. આજે આવું જ કંઇક વડોદરા પાસેના નેશનલ હાઇવે નં 8 પર થયું હતું. આજે બપોરના સમયે વડોદરાથી વાસદ તરફ જવાના રસ્તે 108 એમ્બ્યુલન્સ નાકમાંથી લોહી નિકળતા દર્દીને લઇને સારવાર અર્થે જઇ રહી હતી. તેવામાં નંદેસરી બ્રિજ પર એમ્બ્યુલન્સનું ટાયર ફાટ્યું હતું. જેથી એમ્બ્ચુલન્સ ખોટકાઇ હતી. તેવામાં 108ની ટીમના લોકોએ તાત્કાલિક ટાયર બદલવાની ફરજ પડી હતી. દરમિયાન એમ્બ્યુલન્સમાં બેઠેલા દર્દીની હાલત ગરમીના કારણે વધુ મુશ્કેલ બની રહી હતી.
આ ટાણે એક અજાણ્યા કાર ચાલક રસ્તા પરથી પસાર થઇ રહી હતી. ત્યારે તેણે એમ્બ્યુલન્સમાં કોઇ દર્દી છે કે કેમ તેની ખાતરી કરી હતી. દર્દી હોવાની જાણ થતા જ તેણે દર્દીને જ્યાં સુધી એમ્બ્યુલન્સનું ટાયર બદલાઇ ન જાય ત્યાં સુધી એસી વાળી કારમાં બેસવા માટે હાથ લંબાવ્યો હતો. ગરમીમાં મુશ્કેલી ભોગવતા દર્દી તુરંત કારમાં આરામદાયક રીતે બેસવા તૈયાર થયો હતો. ટાયર બદલાતા દર્દી કાર છોડીને એમ્બ્યુલન્સમાં પરત ફર્યો હતો. આ કિસ્સોમાં કાર ચાલકની માનવતાના દર્શન થાય છે. આપણે પણ આસપાસ જ્યારે આવો કોઇ મોકો મળે તે સેવા માટે આગળ આવવું જોઇએ.