કોમન યુનિવર્સિટી એક્ટથી MSUને બચાવવા પૂર્વ વિદ્યાર્થીઓએ દિવાલને રાખડી બાંધી વિરોધ કર્યો

રાજ્ય સરકાર વિધાનસભામાં બિલ રજૂ કરે તે પહેલા વડોદરામાં ભારે વિરોધ થઇ રહ્યો છે

MailVadodara.com - Alumni-protested-by-lining-the-wall-to-protect-MSU-from-the-Common-Universities-Act

- રાખડી પર SAVE MSU અને REJECT CUB (કોમન યુનિવર્સિટી બિલ) લખ્યું છે

- પૂર્વ વિદ્યાર્થીએ કહ્યું, કોમન એકટથી યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાઈ જશે


નેશનલ એજ્યુકેશન પોલિસી હેઠળ રાજ્યમાં કોમન યુનિવર્સિટી એક્ટ અંગેનું બિલ આગામી વિધાનસભા સત્રમાં રજૂ થનાર છે. પરંતુ રાજ્ય સરકાર તમામ યુનિવર્સિટીઓ માટે વિધાનસભામાં આ બિલ રજૂ કરે તે પહેલા જ વડોદરામાં તેનો ભારે વિરોધ થઇ રહ્યો છે. વડોદરાની MS યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓએ મળીને યુનિવર્સિટીની રક્ષા માટે રાખડી બાંધીને અનોખો વિરોધ વ્યક્ત કર્યો છે. વિદ્યાર્થીઓનું કહેવું હતું કે, કોમન એકટથી યુનિવર્સિટીની રક્ષા કરવા માટે અમે રાખડી બાંધી છે.

રાજ્ય સરકાર દ્વારા કોમન એક્ટ બિલ થકી તમામ યુનિવર્સિટીનું સંચાલન તેમના હસ્તગત લેવા માટેના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ એક્ટ લાગુ થવાને હવે ખુબ જ ઓછો સમયગાળો બચ્યો છે, ત્યારે  કોમન યુનિવર્સિટી એક્ટનો વિરોધ કરવા મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને પૂર્વ વિદ્યાર્થીઓ પહોંચ્યા હતા. અને તેમણે રક્ષા માટે યુનિવર્સિટીની દિવાલ પર રાખડી બાંધી છે. આ રાખડી ઉપર SAVE MSU અને રિજેક્ટ CUB (કોમન યુનિવર્સિટી બિલ) લખ્યું છે.


MS યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી જય વ્યાસે જણાવ્યું હતું કે, આવતીકાલે રક્ષાબંધન હોવાથી અમે આજે MS યુનિવર્સિટીને રાખડી બાંધી છે. કારણ કે રાજ્ય સરકાર કોમન યુનિવર્સિટી બિલ લાવી છે અને તે પાસ થઇને કાયદો બની જશે. જે કાળો કાયદો બનશે અને MS યુનિવર્સિટીને ખતમ કરી દેશે. જે રીતે અમે ભણ્યા તેવી રીતે આવનારી જનરેશન નહીં ભણી શકે.

તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, 90 પેજનું આ બિલ છે. એમાં મહત્વના 3 પોઇન્ટ છે. સૌથી પહેલા રાજ્યની 9 યુનિવર્સિટીનું સંચાલન રાજ્ય સરકાર લઇ લેશે. અમે વોટ કરીને સેનેટ બનાવીએ છીએ એ પણ નહીં બને. અમારી પાસેથી લોકતાંત્રિક પ્રક્રિયાનો હક લઇ લેવાશે. પ્રોફેસરને કંટ્રોલ કરવા તેમની પોલીસની જેમ બદલી થશે. આ ઉપરાંત સ્ટુડન્ટ યુનિયન પણ બંધ કરી દેવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ કોઇ રજૂઆત પણ નહીં કરી શકે. આ બિલમાં તાકાત શોષણકર્તાને આપી દેવામાં આવી છે. જેથી શોષણ થશે.


આ બિલ લાવવાનું કોઇ કારણ નથી. આ બિલને અમે રિજેક્ટ કરીએ છીએ. અમે MS યુનિવર્સિટીને બચાવીશું. અમે તેના માટે ઉભા છીએ. એટલે અમે MS યુનિવર્સિટીને બચાવવા માટે રાખડી બાંધી છે. આ યુનિવર્સિટીએ અમને ખૂબ આપ્યું છે. અમે તેને કોમન નહીં થવા દઇએ. આ બિલનો એક પણ અક્ષર મંજૂર નથી. અગાઉ પણ આ બિલ લાવવાનો પ્રયાસ થયો હતો અને ફરીથી આ પ્રયાસ થઈ રહ્યો છે. આ બિલ પાછું લઇ જાઓ અને આ બિલ લાવવાનું બંધ કરો.

અન્ય એક પૂર્વ વિદ્યાર્થીએ કહ્યુ હતુ કે, કોમન એકટથી યુનિવર્સિટીની સ્વાયત્તા છીનવાઈ જવાની છે. રાજકીય હસ્તક્ષેપ વધી જવાનો છે. યુનિવર્સિટીનો શૈક્ષમિક માહોલ બગડી જવાનો છે. જેના કારણે અમે યુનિવર્સિટીના પૂર્વ વિદ્યાર્થી તરીકે આ એકટનો વિરોધ કરીએ છે.

Share :

Leave a Comments