- નિલેશ મેયર બન્યા ત્યારે અલ્પેશ લીમ્બાચીયાએ ભરપેટ વખાણ કર્યા હતા
- દાખલો બેસે એવી કાર્યવાહી થાય એ માટે પ્રમુખ વિજય શાહે પ્રદેશમાં વિનંતી કરી
વડોદરામાં મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડમાં આજે પુર્વ શાસક પક્ષના નેતા અલ્પેશ લિંબાચીયાની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. જેને લઇને રાજકીય મોરચે ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. તેવામાં શહેર ભાજપ પ્રમુખે આ પ્રકારની ઘટના ફરી ક્યારે ન બને તે માટે દાખલો બેસાડવા માટેની કાર્યવાહી કરવા માટે પ્રદેશ કક્ષાએ રજૂઆત કરી હોવાનું સામે આવ્યું છે. મેયર વિરૂદ્ધની પત્રિકા કાંડમાં અત્યાર સુધી અલ્પેશ લિંબાચીયાએ શાસક પક્ષ તરીકેનો હોદ્દો અને અમિત લિંબાચીયાએ ભાજપનું સભ્યપદ ગુમાવ્યું છે.
આજે પત્રિકા કાંડ મામલે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ત્રીજી ધરપકડ કરી હતી. જેમાં અલ્પેશ લિંબાચીયાને ગત રાતથી જ ઉઠાવી લીધો હતો. તેઓ પૂર્વ શાસકપક્ષના નેતા અને હાલ કોર્પોરેટર છે. પત્રિકા કાંડમાં સંડોવણી સામે આવતા વડોદરામાં રાજકીય માહોલ ભારે ગરમાયો છે. હવે શિસ્ત માટે જાણીતો શાસક પક્ષ અતિગંભીર ગણાતી ગેરશિસ્ત મામલે શું કાર્યવાહી કરે છે તેના પર સૌ કોઇની નજર રહેલી છે.
ત્યારે શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે, ભારતીય જનતા પાર્ટી માટે ખુબ જ દુખદ ઘટના છે. છેલ્લા 10-12 દિવસથી પત્રિકાના સંદર્ભની ચર્ચા થતી હતી. વડોદરામાં પ્રથમ વખત પત્રિકાના સંદર્ભમાં કોઇને શોધી શક્યા ન હતા. પોલીસે ધરપકડ કરી હતી. અને તેઓ જામીન મુક્ત થયા છે. તેવામાં તપાસ દરમિયાન ધ્યાને આવ્યું કે અલ્પેશ લિંબાચીયાની ઓફિસમાંથી આ બધું પ્રિન્ટ કરવમાં આવ્યું છે. આજે તેમની ધકરપકડ કરવામાં આવી છે. આ એક વિચારી ન શકાય તેવી ઘટના છે.
જેમાં પહેલી વખત નામ ખુલ્યા ત્યારે સમગ્ર વડોદરા શહેરના લોકો વિચારમાં પડી ગયા કે આવું કેવી રીતે શક્ય બને. અમિત લિંબાચીયાનું નામ ખુલ્યું, તેની ધરપકડ થઇ અને તેના જામીન પણ થઇ ગયા.પછી પોલીસે વધુ તપાસ કરી, તપાસમાં ભાજપના પુર્વ શાસકપક્ષના નેતા અને યુવા મોરચાના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવી છે, તેવા અલ્પેશ લિંબાચીયાનું નામ તેમાં બહાર આવ્યું છે. તેમની આજે સવારે ધરપકડ કરવામાં આવી છે. મને લાગે છે આ પ્રકારની ઘટનાઓ પક્ષ, કાર્યકર્તા અને નેતાઓ માટે પણ દુખદ છે.
વધુમાં ડો. વિજય શાહે જણાવ્યું કે, આવનાર સમયમાં આ પ્રકારની ઘટના ફરી ક્યારે ન બને તે માટે દાખલો બેસાડવા માટે પ્રદેશ પ્રમુખને વિનંતી કરી છે. અને સંગઠનના લોકોને પણ આવી વિનંતી કરી છે. પોતે કોર્પોરેટર તરીકે હોય, હોદ્દેદાર તરીકે જવાબદાર વ્યક્તિ હોય તેમના માધ્યમથી જે કંઇ થઈ રહ્યું છે. તે ખરાબ છે. આ ઘટનાને હું સખત શબ્દોમાં વખોડું છું. ભાજપમાં ચૂંટાયેલા સામેની કાર્યવાહી હંમેશા પ્રદેશની નેતાગીરીના માધ્યમથી લેવામાં આવે છે. જે કોઇ ઘટનક્રમ બન્યો છે, તેની સંપૂર્ણ વિગત અમે પ્રદેશની નેતાગીરીને મોકલી છે. પ્રદેશની નેતાગીરીના માર્ગદર્શન અને સુચન પ્રમાણે વડોદરામાં પણ એક્શન લેવામાં આવશે.