સુરસાગર તળાવમાં વહેલી સવારે અકોટાના યુવાને પડતું મૂક્યું, સિક્યોરિટી ગાર્ડ્સે બચાવી લીધો

યુવાનને કહ્યું, હું વહેલી સવારે શિવજીના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યો હતો

MailVadodara.com - Akota-youth-dropped-in-Sursagar-lake-early-morning-rescued-by-security-guards

- નગ્ન અવસ્થામાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને રાવપુરા પોલીસના હવાલે કરાયો હતો, યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે રહસ્ય અકબંધ

વડોદરા શહેરની મધ્યમાં આવેલા સુરસાગર તળાવમાં વહેલી સવારે એક યુવાને પડતું મૂકીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે, સિક્યોરિટી ગાર્ડ્સ દ્વારા ફાયર બ્રિગેડની મદદ લઈને બચાવી લેવામાં આવ્યો હતો. નગ્ન અવસ્થામાં આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનને બહાર કાઢીને રાવપુરા પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો. યુવાને કયા કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે રહસ્ય અકબંધ છે.

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલ 303, પ્રધાન એવન્યુમાં રહેતો સુધીર રઘુવીર રાઠોડ (ઉં.35) મધરાત્રે 3:00 વાગે પોતાના ઘરેથી કપડાં પહેર્યા વગર સુરસાગર ખાતે આવી પહોંચ્યો હતો. સુરસાગર તળાવ ખાતે ફરજ બજાવતા સિક્યોરિટી દ્વારા વહેલી સવારે લોકો મોર્નિંગમાં આવતા હોવાથી 5 વાગ્યે સુરસાગર તળાવ ફરતેના ગેટ ખોલી દેવામાં આવે છે. ગેટ ખુલ્લો હોવાના કારણે અકોટાથી આપઘાત કરવા આવી પહોંચેલો યુવાન સીધો 4 નંબરના ગેટ પર આવીને સુરસાગર તળાવમાં પડતું મૂકી દીધું હતું. યુવાને સુરસાગર તળાવમાં પડતુ મુકતાની સાથે અવાજ આવતા ફરજ પરના સિક્યોરિટી ગાર્ડ્સ દોડી ગયા હતા અને યુવાનને બચાવી લેવા માટે રબર બોટ છોડવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, દોરડાથી બોટ બાંધેલી હોવાના કારણે બોટ છૂટી નહોતી. જેથી સેફ્ટી જેકેટ દ્વારા યુવાનને બચાવી લેવામાં આવ્યો હતો. દરમિયાન સિક્યોરિટી ગાર્ડ્સે ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડના લાશ્કરો સ્થળ પર દોડી આવ્યા હતા યુવાનને સુરસાગર તળાવમાંથી બહાર કાઢીને રાવપુરા પોલીસના હવાલે કરી દેવામાં આવ્યો હતો.

આપઘાતનો પ્રયાસ કરનાર યુવાન સુધીર રાઠોડની રાવપુરા પોલીસ દ્વારા કરવામાં આવેલી તપાસમાં આ યુવાન મૂળ ભોપાલનો રહેવાસી હોવાનું બહાર આવ્યું હતું અને તેને જણાવ્યું હતું કે, હું વહેલી સવારે શિવજીના દર્શન કરવા માટે ઘરેથી નીકળ્યો હતો. જોકે, તેને આપઘાત કરવાના પ્રયાસ અંગેનું કોઈ કારણ જણાવ્યું ન હતું. રાવપુરા પોલીસે તેનું નિવેદન લઈને રવાના કરી દીધો હતો.

Share :

Leave a Comments