- ટ્રકના હપ્તા બાકી હોઇ વરણામા પાસેથી ફાઇનાન્સ કંપની સામાન ભરેલો ટેમ્પો લઇ ગઇ હતી, બાદમાં ચાલકે સામાન અન્ય ટ્રકમાં ભરી ખાલી ટ્રક પૂના ખાતે મૂકી ફરાર થઇ ગયો
અમદાવાદ ખાતે આવેલા ડી-માર્ટના વેરહાઉસમાંથી ટ્રાન્સપોર્ટનો ટ્રક ચાલક મરી-મસાલા લઇને પૂના ડી-માર્ટમાં પહોંચાડવા માટે નીકળ્યો હતો. વરણામા પાસેથી ફાઇનાન્સ કંપની ટ્રકના હપ્તા બાકી હોઇ સામાન ભરેલો ટેમ્પો પોતાની ઓફિસ લઇ ગઇ હતી. બાદમાં ટેમ્પોચાલક અન્ય ટ્રકમાં સામાન ભરી પૂના ડી-માર્ટ પહોંચાડવાને બદલે સામાન બારોબાર વગે કરી ખાલી ટ્રક પૂના ખાતે મૂકી ફરાર થઇ ગયો હતો. આ બનાવ અંગેની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
વરણામા પોલીસ મથકમાં દક્ષેશભાઇ પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર તેમનો ટ્રાન્સપોર્ટનો ધંધો છે. તેમની સાથે કામ કરવા માટે ડ્રાઇવર મહેશભાઇ ગુપ્તાને (રહે. છત્તીસગઢ) રાખવામાં આવ્યો છે. સપ્ટેમ્બર-2024માં મહેશભાઇ અમદાવાદના ડી-માર્ટના વેરહાઉસમાંથી રૂ. 30.22 લાખનો મરી-મસાલાનો સામાન લઇને પૂના વેરહાઉસમાં જવા માટે ટ્રક લઇને નીકળ્યો હતો.
આ દરમિયાન વરણામા પાસેથી ફાઈનાન્સ કંપનીના માણસોએ માલ-સામાન સાથે ટ્રકનો કબજો લઇ ગોડાઉનમાં મૂક્યો હતો. બાદમાં આ ટ્રકમાં ભરેલો સામાન બીજી ટ્રકમાં મૂકાવીને ચાલક નીકળી ગયો હતો. બાદમાં રાત્રે ફોન આવ્યો કે, ટ્રકમાં પંચર પડ્યું છે. જેથી તે નવસારી પાસે ટુંકુ રોકાણ લઇ રહ્યો છે. બાદમાં તે ટ્રકનો માલ ખાલી કરવા માટે પૂના જવા નીકળ્યો હતો. વાપી ટોલ નાકાથી ટ્રક પસાર થતા તેના પૈસા કપાયા હોવાનો મેસેજ તેમને મળ્યો હતો.
આ દરમિયાન ટ્રક અચ્છાદ ટોલનાકા પાસેથી પસાર થતા પૈસા કપાયા હતા. એવામાં ચાલકનો ફોન આવ્યો હતો કે, ટ્રક હિમાચલ પંજાબ ઢાબા, પેલહાર પાસે રાખું છું. તે વધુ દારૂ પી ગયો હોવાથી ટ્રક ચલાવી શકે તેમ નથી, એવું તેણે ઉમેર્યું હતું. બાદમાં બીજા દિવસ સુધી ચાલકનો મોબાઇલ નંબર ચાલુ હતો. જેથી ફરિયાદી જાતે છેલ્લા લોકેશન પર તપાસ કરવા માટે નીકળ્યા હતા. ત્યાં જઇને જોતા ટ્રક મળી આવ્યો હતો. પરંતુ તેમાં રાખેલો માલ-સામાન ગાયબ હતો. ચાલકની તપાસ કરતા તે મળી આવ્યો ન હતો. બાદમાં સમગ્ર મામલે સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, સ્થાનિક પોલીસે માલ-સામાન ભર્યો હોય ત્યાં ફરિયાદ કરવાનું કહેતા આખરે તેમણે વરણામા પોલીસ મથકમાં ટ્રક ચાલક મહેશભાઇ છતુલાલ ગુપ્તા (રહે. બારાવાર બસ્તી, જંજગીર, ઝારખંડ) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે તપાસ હાથ ધરી છે.