- કારખાનામાં તૈયાર થઈ રહેલા મમરા, તલ અને સીંગદાણાની ચીકી અને તેને બનાવવા માટે વાપરવામાં આવતા રો-મટીરીયલનું પણ ચેકિંગ કરાયું
વડોદરા મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના ફૂડ વિભાગના ઇન્સ્પેક્ટરો દ્વારા શહેરના તમામ વોર્ડ વિસ્તારમાં મકરસંક્રાંતિ પર્વને લઇ ઠેર-ઠેર ઊંધિયું, જલેબી, ચીકી અંગેનું ચેકિંગ હાથ ધર્યું છે. જેમાં જ્યાં પણ અખાદ્ય પદાર્થ મળે એવા જથ્થાનો સ્થળ પર નાશ કરવામાં આવી રહ્યો છે તો બીજી તરફ શંકાસ્પદ જથ્થાના સેમ્પલ લઇ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
તહેવારોના સમયે ફૂડ વિભાગ દ્વારા નિયમિત રીતે સીઝનલ વેચાતા પદાર્થની ચકાસણી હાથ ધરવામાં આવતી હોય છે. મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાની સૂચનાથી અધિક આરોગ્ય અમલદાર ડૉ.મુકેશ વૈધના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક અઠવાડિયાથી શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂડ ઇન્સપેક્ટર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ઉતરાયણના પર્વને ધ્યાનમાં લઈને ખોરાક શાખાની ટીમે અલગ-અલગ ફરસાણની દુકાનો ખાતેથી ઊંધિયું અને જલેબી તેમજ તેના રો- મટીરીયલ્સનું ચેકિંગ શરૂ કર્યું છે. અલગ અલગ વિસ્તારના કારખાનામાં તૈયાર થઈ રહેલ મમરા, તલ અને સીંગદાણાની ચીકી અને તેને બનાવવા માટે વાપરવામાં આવતા રો-મટીરીયલનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. જ્યાં ખાસ કરીને ચીકી બનાવતી ફેક્ટરીઓ વધુ છે એવા વિસ્તારોમાં ફૂડ ઇન્સ્પેક્ટરો દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે.
આ અંગે અધિક આરોગ્ય અમલદાર ડૉ. મુકેશ વૈદ્યએ જણાવ્યું હતું કે, અમારી કાર્યવાહી રૂટિન છે. છેલ્લા એક અઠવાડિયાથી મકરસંક્રાંતિ પર્વને લઇ વિવિધ ખાદ્ય સામગ્રી વિક્રેતા અને મેન્યુફેક્ચરર પર ચકાસણી કરવામાં આવી રહી છે. જેમાં જરૂર જણાય તો શંકાસ્પદ સામગ્રીના નમૂના લેવામાં આવે છે અને અખાદ્ય જથ્થાનો સ્થળ પર જ નાશ કરવામાં આવે છે. આગામી દિવસોમાં ચેકિંગ હજુ યથાવત રહેશે.