- હજુ 10 એમએલડી અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં ભળતું હોવાનું તારણ
વડોદરા શહેરની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના શુદ્ધિકરણ માટે કોર્પોરેશન દ્વારા અનેક પ્રયાસો અને નાણાંના વેડફાટ બાદ હવે મલિન જળ વિશ્વામિત્રી નદીમાં ભળતાં રોકવામાં કોર્પોરેશનને મહદ અંશે સફળતા સાપડી છે. જો કે, હજુ પણ કોર્પોરેશન સામે કેટલાક જોડાણ બંધ કરવા સાથે નદીના તટમાં ગેરકાયદેસર દબાણના પડકારો રહેશે.
વડોદરાની મધ્યમાંથી સર્પાકારે પસાર થતી વિશ્વામિત્રી નદી શહેરમાં પ્રવેશતાની સાથે જ દૂષિત બની જાય છે. વર્ષોની સમસ્યા પાછળ લોકો દ્વારા તથા કોર્પોરેશન દ્વારા વિશ્વામિત્રી નદીમાં સીધા મલિન જળના જોડાણ જવાબદાર છે. વિશ્વામિત્રી શુદ્ધિકરણના નામે અનેક વખત નાણાંનો વેડફાટ થયો છે. પરંતુ આ પ્રકારના ગેરકાયદેસર જોડાણ બંધ કરવામાં તંત્ર નિષ્ફળ્યું હતું. ત્યારે હવે વિશ્વામિત્રી નદી શુદ્ધ થાય તેવું આશાનું કિરણ નજરે ચડ્યું છે. વડોદરા કોર્પોરેશનના આધારભૂત સૂત્રોએ કહ્યું હતું કે, ઇન્દ્રપુરી એપીએસ, કારેલીબાગ એપીએસ, અમિતનગર એપીએસ કાર્યરત તથા વરસાદી કાંસ મારફતે સામ્રાજ્ય બંગલોઝ તરફ વિશ્વામિત્રી નદીમાં ભળતા મલિન જળ અટક્યા છે. વેમાલી તથા છાણી નવો સુવેઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાર્યરત થતા ઉર્મી શાળા, ફતેગંજ કમાટીપુરા તથા રાત્રી બજાર તરફથી વિશ્વામિત્રી નદીમાં ભળતાં મલિન જળ અટકશે. વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી ભળી રહ્યું છે. જેના 21 પોઇન્ટ આઈડેન્ટીફાય થયા છે. જે પૈકી ત્રણ સ્થળોએથી અનટ્રીટેડ ૫૦ એમ.એલ. ડી જેટલી માત્રામાં મલિન જળ વિશ્વામિત્રી નદીમાં ભળતાં રોકવામાં સફળતા મળી છે. જ્યારે હજુ ૧૦ એમ. એલ. ડી. અનટ્રીટેડ પાણી વિશ્વામિત્રી નદીમાં ભળી રહ્યું છે, જે પણ ટૂંક જ સમયમાં બંધ કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરામાં કોર્પોરેશનના આંખ આડા કાનના કારણે પવિત્ર વિશ્વામિત્રી નદીને દૂષિત નદીમાં સ્થાન પ્રાપ્ત થયા બાદ હવે મોડે મોડે જાગેલ તંત્રએ વિશ્વામિત્રી નદી શુદ્ધિકરણના પ્રયાસો હાથ ધરતા મહદંશે સફળતાનું ડગલું ભર્યું છે.