વડોદરાના યુવક સાથે ઇન્વેસ્ટમેન્ટના નામે 21.97 લાખની ઠગાઇ કરનાર MPના આરોપીની અટકાયત

પોલીસે વધુ આરોપીઓની શોધવા અને પુરાવા મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી

MailVadodara.com - Accused-of-MP-who-defrauded-Vadodara-youth-of-21-97-lakhs-in-the-name-of-investment-detained

- આરોપીઓ પાસેથી મળેલા બેન્ક ખાતાઓ વિરુદ્ધ NCCRP PORTAL ઉપર 22 રાજ્યોમાં 219 ફરિયાદ નોંધાઇ છે, જે પૈકી 17 ફરિયાદ ગુજરાતમાં છે

- આરોપીઓએ ફ્રોડ કરવા ખોલેલા ખાતા પૈકી 3 બેંક ખાતાઓમાં 3 દિવસમાં જ 12.99 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયેલા છે

ટેલિગ્રામના માધ્યમથી ઇન્વેસ્ટમેન્ટના ઓઠા હેઠળ છેતરપિંડી કરવાના કેસમાં મધ્ય પ્રદેશની ટોળકીના ઈસમની વડોદરા શહેર સાયબર ક્રાઈમે અટકાયત કરી છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં રહેતા જિતેન્દ્ર બડગુજરને ટેલિગ્રામ ઉપર પાર્ટ ટાઇમ જોબ આપવાનું જણાવી વેબસાઇટ https://www.erosmediaworldin.org/mine ઉપર રજીસ્ટ્રેશન કરાવી ટાસ્ક પુરા કરવાના બહાને કસ્ટમર કેર નંબરમાંથી બેંક એકાઉન્ટ નંબર આપી તેમા પૈસા જમા કરાવી અલગ-અલગ ટાસ્ક માટે 75 હજાર રૂપિયા ભરાવડાવી 97,200 રૂપિયા વળતર સાથે આપી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યાર બાદ અલગ-અલગ ટાસ્ક પુરા કરવા તથા અલગ-અલગ બહાના બતાવીને 80 લાખ રૂપિયાનું વળતર આપવાની લાલચ આપીને 21.97 લાખ રૂપિયા ભરાવ્યા હતા. ત્યાર બાદ પણ વધુ પૈસાની માગણી કરી હતી. આ મામલે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.


ગુનાની ગંભીરતા ધ્યાનમાં લઈને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનની ટીમે ટેકનીકલ સોર્સીસ અને હ્યુમન રિસોર્સ દ્વારા મળેલી વિગતો ઉપરથી મધ્ય પ્રદેશના અંતરિયાળ ગામમાંથી આરોપી રવિ ઇશ્વરલાલ સોલંકી (ઉ.25, રહે. થાના મંદસોર, જી.મંદસૌર, મધ્ય પ્રદેશ)ની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ મેળવ્યા હતા. આરોપી હાલમાં જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. પોલીસે વધુ આરોપીઓની શોધવાની દિશામાં અને પુરાવા મેળવવાની દિશામાં તપાસ શરૂ કરી છે.

આ આરોપીએ રૂપિયાની લાલચમાં બોમ્બે જઈને બેન્ક એકાઉન્ટ ખોલાવ્યું હતું. જે એકાઉન્ટમાં 4.36 કરોડ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે અને ફરિયાદી પાસેથી પડાવેલા રૂપિયા પૈકી રૂપિયા 2,90,000 રૂપિયા આ એકાઉન્ટમાં આવ્યા હતા. આરોપીએ બેંક ખાતું ખોલાવીને કમિશન મેળવી અન્ય ઇસમોને વાપરવા આપેલા હતા. આ કેસની તપાસ માટે બે ટીમ મધ્ય પ્રદેશ એક સાથે રવાના કરવામાં આવી છે. એક આરોપી મંદસોરથી મળી આવેલો અને ભોપાલના અન્ય સહઆરોપીઓ સ્થળ તપાસ કરતાં જેલમાં હોવાનું જાણવા મળ્યું છે. તેના સહઆરોપીઓ હાલમાં મધ્ય પ્રદેશના ગુનામાં અટક થયેલી હોવાથી પ્રોડ્યૂસ વોરન્ટના આધારે જેલમાંથી કબજો મેળવવાની તજવીજ ચાલુ છે.

આ આરોપીઓએ ફ્રોડ કરવા ખોલેલા ખાતા પૈકી 3 બેંક ખાતાઓ સદર ગુનામાં આવતા તેની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, તે ખાતાઓમાં 3 દિવસમાં જ કુલ રૂ.12.99 કરોડથી વધુના નાણાકીય વ્યવહારો થયેલા છે. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી મળી આવેલા બેન્ક ખાતાઓ વિરુદ્ધ NCCRP PORTAL ઉપર 22 રાજ્યોમાં નીચે મુજબની 219 ફરિયાદ નોંધાયેલી છે. જે પૈકી 17 ફરિયાદ ગુજરાતમાંથી કરવામાં આવેલી છે.

Share :

Leave a Comments