- એસીબીએ અગાઉ હેડ કોન્સ્ટેબલના બે વચેટીયા પકડાયા હતા
વડોદરામાં સ્પા સંચાલક પાસેથી લાંચ લેવાના કેસમાં એસીબીએ મકરપુરા પોલીસ સ્ટેશનના અનાર્મ હેડ કોન્સ્ટેબલને ઝડપી પાડ્યો છે. આ પહેલા એસીબીએ પોલીસકર્મીના બે વચેટિયાની ધરપકડ કરી હતી.
ત્રણ દિવસ અગાઉ દંતેશ્વર વિસ્તારમાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ વિભાગે દરોડો પાડ્યો હતો એમાં પોલીસે સ્પા સંચાલકને બચાવી લીધો હોવાનો વિવાદ થયો હતો. જેની તપાસ ડીસીપીએ કરી હતી. સ્પા સંચાલકને મકરપુરા પોલીસ મથકના અનાર્મ હેડ કોન્સ્ટેબલ કલ્પેશ નંદકિશોર સોનવણેએ 80 હજાર રૂપિયા આપ નહીતર કેસ કરવાની અને મીડિયામાં બદનામ કરવાની ધમકી આપી હતી. જેથી સ્પા સંચાલકે એસીબીનો સંપર્ક સાધ્યો હતો.
એસીબીએ છટકું ગોઠવ્યું હતું અને પોલીસકર્મી વતી લાંચ લેતા સંજય લક્ષ્મણ ભરવાડ અને પ્રિન્સ રાજકુમાર શર્માને સિલ્વર ઓક કોમ્પલેક્ષના પાર્કિંગ સામે લાંચ લેવા બોલાવ્યા હતા અને લાંચ લીધા બાદ હેડ કોન્સેટેબલ કલ્પેશ સોનવણેને ફોન કર્યો હતો અને રૂપિયા એમની પાસે રાખવા જણાવ્યું હતું. એસીબીએ બંનેને ઝડપી પાડ્યા હતા, જ્યારે કોન્સેબલ ફરાર થઈ ગયો હતો.
એસીબીએ હેડ કોન્સ્ટેબલ કલ્પેશને ઝડપી પાડવા એસીબીએ એના ઘરે સહિત ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કલ્પેશ સોનવણે ઝડપાઇ ગયો હતો. એસીબીએ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.