વડોદરામાં પૂરપાટ જતી કાર ચાલક યુવતીએ ટક્કર મારતા સ્કૂટર ચાલક યુવક ફૂટબોલની જેમ ફંગોળાયો

ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી પાસે મોડી રાત્રે 1:20 વાગે થયેલા અકસ્માત થયો હતો

MailVadodara.com - A-young-scooter-rider-was-hit-like-a-football-by-a-young-woman-driving-a-car-in-new-vip-road

- કાર એટલી સ્પિડમાં હતી કે ટક્કર બાદ કાર શિર્ષાસન થઇ ગઇ હતી

- સ્કૂટર ચાલક યુવાન સહિત બેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા, યુવતીની ધરપકડ કરાઇ!


વડોદરા શહેરના ન્યુ વીઆઇપી રોડ સુપર બેકરી પાસે મોડી રાત્રે માતેલા સાંઢની જેમ કાર લઇને પસાર થઈ રહેલી યુવતીએ સ્કૂટર ચાલક યુવાનને અડફેટે લીધો હતો. કાર એટલી સ્પીડમાં હતી કે, કાર પલટી ખાઈ ગઈ હતી. આ ઘટના બનતા સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સ્કૂટર ચાલક સહિત બેને હોસ્પિટલમાં ખસેડ્યા હતા. વારસીયા પોલીસે કાર ચાલક યુવતીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.


મૂળ રાજકોટની વતની અને વડોદરામાં અભ્યાસ કરતી ઋત્વી દિપકભાઇ સંગાડા મોડી રાત્રે 1:20 કલાકે કાર લઇને ન્યુ વીઆઇપી રોડ ઉપરથી પૂરપાટ પસાર થઇ રહી હતી. તે સમયે વારસીયા વિસ્તારમાં આવેલી પંચશીલ સોસાયટીમાં રહેતો ગૌતમ કમલભાઇ નાથાણી (ઉં.વ.20) પણ પોતાની એક્ટીવા સ્કૂટર લઇને પસાર થઇ રહ્યો હતો.

પુરપાટ કાર લઇને પસાર થઇ રહેલી યુવતી ઋત્વી સીંગાડાએ સ્કૂટર પર સવાર ગૌતમ નાથાણીને જોરદાર ટક્કર મારતા ગૌતમ ફૂટબોલની જેમ રોડ ઉપર ફંગોડાઇ ગયો હતો. અને ઋત્વીની કાર ધડાકા સાથે રોડ ઉપર પલટી ખાઇ ગઇ હતી. કાર એટલી સ્પિડમાં હતી કે ટક્કર બાદ કાર શિર્ષાસન થઇ ગઇ હતી. મોડી રાત્રે ધડાકા સાથે થયેલા આ બનાવને પગલે પસાર થતા લોકો અને સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને સ્કૂટર ચાલક યુવાન ગૌતમ સહિત બેને ગંભીર ઇજા પહોંચી હોઇ, હોસ્પિટલમાં ખસેડ્યા હતા.


રાત્રે 1:20 કલાકે બનેલા અકસ્માતના આ બનાવની જાણ વારસીયા પોલીસને કરવામાં આવતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી અને કાર ચાલક ઋત્વી સીંગાડા સામે ગુનો દાખલ કરી તેની અટકાયત કરી લીધી હતી. મોડી રાત્રે બનેલા આ બનાવે વિસ્તારમાં ભારે ચકચાર જગાવી મૂકી હતી.


મોડી રાત્રે સર્જાયેલા આ અકસ્માતમાં કાર એટલી સ્પીડમાં હતી કે, કાર રોડ પર પલટી ખાઇને શિર્ષાસન થઇ ગઇ હતી અને કારનો બોનેટના ભાગનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તો સ્કૂટરને કારની વાગેલી ટક્કરથી સ્કૂટર હાડપિંજરમાં ફેરવાઈ ગયું હતું. સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, અકસ્માતનો એટલો મોટો અવાજ આવ્યો હતો કે, અમે ગભરાઈ ગયા હતા. કાર અને સ્કૂટરની હાલત જોતા એવું લાગતું હતું કે, કાર ચાલક અને સ્કૂટર ચાલકનું બચવું અશક્ય જણાતું હતું. સદભાગ્યે આ ઘટના હિટ એન્ડ રન થતાં બચી ગઈ હતી. સ્કૂટર ચાલક યુવાન ગૌતમને હાલ સયાજી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

Share :

Leave a Comments