- પ્રકાશ મહી નદીના ભારે પ્રવાહમાં તણાઇને લાપતા થઇ જતાં ગામના તરવૈયાઓએે સ્થળ પર દોડી જઇ પ્રકાશના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢ્યો હતો
વડોદરાના સાવલી તાલુકાના લાછનપુર ગામ પાસેથી પસાર થતી મહી સાગર નદીમાં વડોદરાના છાણી જકાતનાકા વિસ્તારનો યુવાન નદીના વહેતા પાણીમાં તણાઇ જવાથી ડૂબી જતા મોત નીપજ્યું હતું. ડૂબી જતા મોતને ભેટેલ યુવાન સહિત ત્રણ મિત્રો આજે રજા હોવાથી પિકનીક મનાવવા માટે ગયા હતા. આ બનાવ અંગે સાવલી પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મળેલી માહિતી પ્રમાણે વડોદરાના છાણી જકાતનાકા નજીક એકતા નગરમાં રહેતો આશરે 25 વર્ષિય પ્રકાશ ગણેશભાઇ રાજપુત હેવી વોટર પ્લાન્ટમાં નોકરી કરતો હતો. આજે રજા હોવાથી તે તેના બે મિત્રો સાથે સાવલી તાલુકાના લાંછનપુર ગામ પાસેથી પસાર થતી મહી નદી કિનારે પિકનીક મનાવવા ગયા હતા. પિકનીક મનાવ્યા બાદ તેઓ મહી નદીમાં નાહવા ગયા હતા.
મહી નદીમાં નાહવા પડેલા ત્રણ મિત્રો પૈકી પ્રકાશ રાજપુત નદીના વહેતા પાણીમાં એકાએક તણાવવા લાગ્યો હતો. પ્રકાશે મદદ માટે બુમો પણ પાડી હતી. મિત્રોએ બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ, પ્રકાશ જોત જોતામાં મહી નદીના ભારે પ્રવાહમાં તણાઇને લાપતા થઇ ગયો હતો. દરમિયાન આ અંગેની જાણ ગામના તરવૈયાઓને થતાં તેઓ સ્થળ પર દોડી ગયા હતા. અને તણાઇ ગયેલા પ્રકાશના મૃતદેહને શોધી કાઢી બહાર કાઢ્યો હતો.
દરમિયાન આ ઘટનાની જાણ સાવલી પોલીસને થતાં પોલીસ સ્થળ પર દોડી આવી હતી. અને લાશનો કબજો લઇ સાવલી સરકારી હોસ્પિટલમાં પોષ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. બીજી બાજુ આ બનાવની જાણ પ્રકાશના પરિવારજનોને થતાં તેઓ સાવલી ખાતે દોડી આવ્યા હતા. સાવલી પોલીસે પરિવારની ફરિયાદના આધારે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી.