- વિષ્ણુએ રવિના ગાલ ઉપર ચારથી પાંચ લાફા મારતા જમીન પર પટકાયો હતો, જાેકે ત્યારબાદ વિષ્ણુએ રવિની છાતીમાં લાતો મારતા તે બેભાન થઈ ગયો હતો
- ગભરાઇ ગયેલા સુરેશે સાથ આપવાનો ઇન્કાર કરતા વિષ્ણુએ જાનથી મારી નાંખવાની ધમકી આપી, બંનેએ રવિના મૃતદેહને બાઈક પર લઈ જઈ ફેંકી દીધો
વડોદરાના ડભોઇ તાલુકાના પણસોલી ગામના યુવાનને જીવલેણ માર મારીને મોતને ઘાટ ઉતારી તેના મૃતદેહને બાઈક પર લઈ જઈને ફેંકી દીધો હતો. આ મામલે પોલીસે જાણ થતા સ્થળે પહોંચી મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. પોલીસે હાલ આ મામલે હત્યાનો ગુનો નોંધીને હત્યારાની શોધખોળ હાથ ઘરી છે.
મળેલી માહિતી પ્રમાણે ડભોઇ તાલુકાના વસઈ ગામની કુવાવાળી નવી નગરીમાં રહેતો વિષ્ણુ લાલજી રાઠોડીયા અને પણસોલી ગામની નીચલી વસાહતમાં રહેતો 29 વર્ષીય રવિ બિરલાભાઈ નાયક 5 જૂનના રોજ સવારના 10 વાગે વસઈ ગામની સીમમાં ઝૂંપડું બનાવી રહ્યા હતા. તે દરમિયાન સુરેશ કનુભાઈ રાઠોડીયા ત્યાં આવી પહોંચ્યો હતો. ત્યારે વિષ્ણુ રાઠોડિયાએ સુરેશને સવાલ કરતા જણાવ્યું હતું કે, તે રવિને કેમ કહ્યું કે, રવિની પત્ની મારા ઘરે છે, ત્યારે સુરેશે વળતો જવાબ આપતા જણાવ્યું કે, મેં રવિને કહ્યું નથી.
આ વાતચીત થયા બાદ વિષ્ણુ પરત રવિ પાસે પહોંચી ગયો હતો અને ઝુંપડું બનાવવાનું કામ શરૂ કરી દીધું હતું. આ દરમિયાન વિષ્ણુ અને રવિ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ હતી. જેમાં વિષ્ણુએ રવિના ગાલ ઉપર ચારથી પાંચ લાફા મારી દીધા હતા. જેના કારણે રવિ જમીન ઉપર પટકાતા વિષ્ણુએ રવિની છાતીમાં પણ લાતો મારી હતી, જેમાં રવિ બેભાન થઈ ગયો હતો. જે બાદ વિષ્ણુ રવિને ઢસડીને લઈ જતો હતો, તે દરમિયાન સુરેશ પણ ત્યાં પહોંચી ગયો હતો અને વિષ્ણુના શકંજામાંથી રવિને છોડાવ્યો હતો. પરંતુ તે સમયે રવિ માત્ર હલન ચલન કરતો હતો, પરંતુ બોલી શકતો ન હતો. જેથી રવિ મરી જશે તે વાતને લઈને વિષ્ણુ પણ ગભરાઈ ગયો હતો.
ગભરાઈ ગયેલા વિષ્ણુએ સુરેશને જણાવ્યું હતું કે, તારી મોટર સાયકલ ઉપર રવિને આપણે પણસોલી ગામ પાસે મૂકી આવીએ. જાેકે સુરેશ ઇનકાર કરતાં વિષ્ણુએ સુરેશને પણ મારી નાખવાની ધમકી આપી હતી. જેથી ગભરાયેલો સુરેશ પોતાની મોટર સાયકલ ઉપર બેભાન થઈ ગયેલ રવિને પણસોલી ગામ સુધી મુકવા જવા માટે તૈયાર થઈ ગયો હતો. દરમિયાન સુરેશએ બાઈક ચલાવી હતી અને વિષ્ણુ બેભાન રવિને લઈને પાછળ બેસી ગયો હતો. અને પણસોલી ગામની સીમમાં કેનાલ પાસે બેભાન થઈ ગયેલા રવિને મૂકીને બંને જણા ફરાર થઈ ગયા હતા. રવિને બિનવારસી હાલતમાં છોડી દીધો ત્યારે પણ વિષ્ણુએ સુરેશને ધમકી આપતા જણાવ્યું હતું કે, જો તું આ બાબતની જાન કોઈને કરીશ તો તને પણ જાનથી મારી નાખીશ.
આ દરમિયાન પણસોલી ગામના રવિ નાયકની લાશ પોલીસને મળી આવતા પોલીસે લાશનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેમાં રવિ નાયકની હત્યા થયાનું બહાર આવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન સુરેશે તેની નજર સામે બનેલી ઘટના અંગેની માહિતી પણસોલી ગામના ચાદીયા વિરલભાઇ નાયકને જણાવતાં તેઓએ ડભોઇ પોલીસ સ્ટેશનમાં વિષ્ણુ રાઠોડીયા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે વિષ્ણુ રાઠોડિયાની સામે હત્યાનો ગુનો દાખલ કરીને તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. હત્યા કરનાર વિષ્ણુ રાઠોડિયા ઝડપાયા બાદ આ ઘટનાની ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ હત્યાના બનાવની વધુ તપાસ ડભોઇ પોલીસ મથકના પીઆઇ એસ. જે. વાઘેલા કરી રહ્યા છે.