વડોદરાના ઇજનેર યુવાને છતને ખેતર બનાવી દીધું એક્વાપોનિક્સ પદ્ધતિથી શાકભાજીની ખેતી કરી

ઇજનેર શશાંક ચૌબેની માછલીથી ઉત્સર્જિત કચરા થકી અનોખી ખેતી

MailVadodara.com - A-young-engineer-from-Vadodara-turned-a-rooftop-into-a-farm-and-cultivated-vegetables-using-aquaponics


શહેરના એક ઇજનેરે માટી વિના થતી વિશેષ પ્રકારની કૃષિ પદ્ધતિ વિકસાવી છે. માછલી દ્વારા ઉત્સર્જિત કચરાનો ઉપયોગ કરી તેમણે એક ઇમારતની છત ઉપર નાનકડી વાડી બનાવી શાકભાજીનું ઉત્પાદન લેવાનું શરૂ કર્યું છે. પરંપરાગત કૃષિ પદ્ધતિના વિકલ્પ તરીકે એક્વાપોનિક્સથી આ ઇજનેરે પોતાના ઘરે શાકભાજી ઉગાડી છે. વળી, જંતુનાશકોના ઉપયોગ વિના થતી આ ખેતીમાં ઉત્પાદિત શાકભાજી અતિ સ્વાદિષ્ટ હોય છે. વડોદરાના આ ઇજનેરે મત્સ્ય ઉદ્યોગ સાથે સંકલનથી આ ખેતી કરે છે.

એક્વાપોનિક્સમાં માછલી અને અન્ય જળચર જીવો દ્વારા ઉત્સર્જિત વેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે અને હાઇડ્રોપોનિક્સમાં પાણીમાં રહેલા વિવિધ ખનિજતત્વોથી છોડને પોષણ આપવામાં આવે છે. પશ્ચિમી દેશોના શહેરી ખેતી તરીકે આ પદ્ધતિ ચલણમાં આવતી જાય છે. તેનો પ્રયોગ વડોદરા શહેરમાં ઇલેક્ટ્રોનિક્સ એન્ડ કોમ્યુનિકેશન એન્જીનિયર શશાંક ચૌબેએ પોતાના ઘરની છત ઉપર કર્યો છે. આ પ્રકારની ખેતી માટે છતની ૭૦૦ ચોરસ મિટર જગ્યા રોકાઇ છે.


આ પદ્ધતિમાં એવું કરવામાં આવે છે કે, પથ્થર, કપચી, ચિનાઇ માટીના કટકાને છોડના મૂળ બંધારણ માટે રાખવામાં આવે છે. આ પથ્થર નદીના કિનારે હોય એવી ઇકોસિસ્ટમ ડેવલપ થાય છે. એક છોડને કુદરતી રીતે ઉછેરવા માટે નદી કિનારે જે પ્રાકૃતિક બંધારણ હોય એવું આ નાના નાના કુંડામાં ઉભું કરવામાં આવે છે. હવે, ફિશ ટેંકમાંથી એકત્ર કરવામાં આવેલો માછલી ઉત્સર્જિત વેસ્ટ અને પાણીને પાઇપ મારફત આ કુંડાને આપવામાં આવે છે. કુંડામાં રહેલા છોડ પાણી અને વેસ્ટમાંથી ખનિજ તત્વો ગ્રહણ કરી લે છે. આ પાણી ફિલ્ટર થઇ ફરી ટેંકમાં આવી જાય છે. છોડના કુંડા એક લાઇનમાં ઉપર નીચે આવી જાય એ રીતે તેમણે આખું માળખું બનાવ્યું છે.


શશાંક ચૌબેએ કોઇ અને ગોલ્ડન ફિશની એક્વોપોનિક્સ માટે પસંદગી કરી છે. મત્સ્ય પાલન કેવી રીતે કરવું તેના માટે તેમણે રાજ્ય સરકારના મત્સ્ય ઉદ્યોગ વિભાગ પાસેથી માહિતી મેળવી છે. બન્ને પ્રકારની માછલીઓ પ્રમાણમાં વધુ કચરાનું ઉત્સર્જન કરે છે. એટલે તેને પસંદ કરવામાં આવી છે. આ માછલીઓને એક ટેંકમાં રાખવામાં આવે છે અને તેમાંથી તેના વેસ્ટને અલગ કરવામાં આવે છે. જે બાદમાં છોડના પોષકતત્વ તરીકે ઉપયોગ કરવામાં આવે છે.


તેમણે એક ઇમારતની છત ઉપર એક લાઇનમાં ૩૦ કુંડા ધરાવતી 18 લાઇનોમાં ખેતી શરૂ કરી છે. જેમાં કાકડી, દૂધી, ટમેટા, આયુર્વેદિક દવાના છોડ ઉપરાંત પાનવાળા શાકભાજીનો ઉછેર શરૂ કર્યો છે. વળી, આ પદ્ધતિ સંપૂર્ણ પણે ઓર્ગેનિક હોવાથી તેમાં જંતુનાશકોનો ઉપયોગ કરવો પડતો નથી. તેનાથી ઉત્પાદિત શાકભાજી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. શહેરોમાં આ પ્રકારની ખેતી સરળતાથી કરી શકાય છે, તેમ શશાંક કહે છે. તે અઠવાડિયામાં માત્ર 300 લિટર જ પાણીનો ઉપયોગ આ છોડના ઉછેર માટે કરે છે. એ બાબત જોતા એક્વાપોનિક્સ પદ્ધતિથી પાણીની પણ બહુ બચત થાય છે.


શશાંક ચૌબેનું કહેવું છે કે, દિલ્લીમાં યમુના કિનારે બિનઆરોગ્યપ્રદ રીતે થતી શાકભાજીની ખેતીને જોઇને મને એક્વાપોનિક્સનો વિચાર આવ્યો હતો. હજું અન્ય લોકોને પણ આ પ્રકારની ખેતી તરફ વાળવા ઇચ્છું છું.

Share :

Leave a Comments